Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જસદણ પાલિકા કારોબારી ચેરમેન માટે ઉપસતુ કેતન લાડોલાનું નામ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૪ :. પાલિકાના આગામી કારોબારી ચેરમેન માટે વોર્ડ નંબર એકની ભાજપની પેનલના સદસ્ય કેતન લાડોલાનું નામ ઉપસ્યું છે. કેતનભાઈ વિદ્યાર્થીકાળથી ભાજપ સાથે જોડાયેલા હોય અને વોર્ડ નંબર એકમાંથી ચૂંટાઈ પોતાના મતદારો સાથે સંકળાયેલા હોવાથી અને કડવા પાટીદાર સમાજમાંથી નગરપાલિકામાં પ્રથમવાર તેમને યોગ્ય સ્થાન મળે તે માટે ટોપથી બોટમ સુધીના ભાજપના અગ્રણીઓએ કેતનભાઈનું નામ સૂચવ્યું હોવાનું જાણવા મળે છે.

કારોબારી ચેરમેનની નિમણૂંકને લઈ આગામી અઠવાડિયામાં પ્રથમ તો ભાજપના મોવડીઓ સેન્સ લેશે ત્યાર બાદ જનરલ બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરકે છે. સાત વોર્ડના કુલ ૨૮ સભ્યોમાંથી ભાજપના ૨૩ સભ્યો ચૂંટાયા છે. હાલના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા લેઉવા પટેલ સમાજમાંથી આવે છે તેમણે પણ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે તે તમામ સભ્યોને સાથે લઈ ચાલતા હોવાથી તેમના અધ્યક્ષસ્થાને પાંચ જનરલ બોર્ડ ચાલ્યા એ દરેકની અંદર કોઈ વાદ વિખવાદ વગર કરોડો રૂપિયાના વિકાસ કાર્યોમાં દરેક સભ્યો સાથે રહ્યાનો રેકોર્ડ છે ત્યારે જો કોઈ ફેરફાર ન થાય તો આગામી કારોબારી ચેરમેન તરીકે ભાજપના મોવડીઓ કેતનભાઈ લાડોલા પર મ્હોર મારે એવા ઉજળા સંજોગો છે. જો કોઈ સભ્યો આ નિર્ણય પર સહમતી નહિ દર્શાવે તો તેમને પક્ષમાંથી પણ હાંકી કાઢવામાં આવશે. જો કે રાજકારણમાં કાંઈ નિશ્ચિત હોતુ નથી, છેલ્લી ઘડીએ પણ ફેરફાર થઈ શકે છે.

(12:12 pm IST)