Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

હળવદ નજીક મામા - ભાણેજને હડફેટે લઇ નાસી છૂટેલા ચાલકનો પીછો કરતા કારમાં હથિયાર નીકળ્યા

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૪ : તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ ઉપર ઉભેલા મામા અને ભાણેજને હડફેટે લઈ કાર ચાલક નાસી છૂટતા મામા ભાણેજે કારનો પીછો કરી હથિયાર ભરેલી કાર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વિગતો મુજબ ઘનશ્યામપુર ગામે રહેતા ડાયાભાઇ સબળસંગભાઇ સોલંકી રાત્રીના સમયે પોતાના નવા બનતા કારખાનેથી પરત આવતા હતા ત્યારે ભાણેજની વાડી પાસે મોટર સાયકલ સાઈડમાં રાખી ઉભા હતા ત્યારે કેસરી કલરની ગાડીએ અકસ્માત સર્જી બન્નેને પછાડી ઇજાઓ પહોંચાડી હતી અને કાર ચાલક નાસી છૂટ્યો હતો.

બાદમાં બન્ને મામા ભાણેજે કારનો પીછો કરતા આ કાર હળવદ નજીક ગેસ પુરાવવા ઉભી હોય કારમાં તપાસ કરતા કાર નંબર GJ 06 JQ 1455 વાળી પ્રતાપભાઇ કનુભાઇ પઢીયાર રહે.પાંડાતીરથ વાળાની હોવાનું અંદર બેઠેલા અનીલભાઇ વજાભાઇ કોળી તથા મુન્નાભાઇ દેવાભાઇ કોળી રહે.દીઘડીયા વાળા હોવાનું જણાવ્યું હતું અને કારની પાછળની સીટમાં તલવાર, કટાર જેવા ઘાતક હથિયાર હોવાનું જોવા મળ્યું હતું.

બાદમાં આ મામલે અકસ્માતનો ભોગ બનનાર ડાયાભાઇ સોલંકીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ અને મુન્ના કોળીની અટકાયત કરી હતી જયારે કાર માલિક પ્રતાપ પઢીયાર નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ત્રણેય વિરૂદ્ઘ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૧૧૪ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(

(11:15 am IST)