Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અજમેર-કલકતાની કંપની સામેના છેતરપીંડી કેસમાં જુનાગઢ સીઆઇડી ક્રાઇમ દ્વારા પોરબંદરના શખ્સની ધરપકડ

૧૪.૭૯ લાખની રકમ ઓળવી જવાના કેસમાં તપાસ-પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડ

જુનાગઢ તા.૪: અજમેર અને કલકતાની કંપની સામેના ફોડના કેસમાં જુનાગઢ સીઆઇડી ક્રાઇમ દ્વારા પોરબંદરના એક શખ્સની ધરપકડ કરી જેને તપાસ અને પુછપરછના કામે ૧૪ દિવસના રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, પોરબંદરના કપીલભાઇ પ્રવિણચંદ્ર મહેતાએ મુખ્યમંત્રી ઓનલાઇનમાં રાજસ્તાનના અજમેરની બીએસડીબી મ્યુચ્યુલ બેનીફીટ ટ્રસ્ટ નામની કંપનીના ચેરમેન રામ અવતાર દેવકરણ સીદેરીયા, ડીરેકટરો નિતીન અશોકકુમાર શર્મા, દેવકરણ છોગારામ અને પોરબંદરના બ્રાંચ મેનેજર અનીલ પતાણી સામે રૂ.૧૫.૮૨ લાખની રોકડ કપિલભાઇ અને અન્ય લોકો પાસેથી મેળવી અને પ્રભોલન આપી ઓળવી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ જ પ્રમાણે પોરબંદરના વૈશાલીબેન વ્રજલાલ શીંગાળાએ પ.બંગાળના કલકતાની વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર અને તેની સંલગ્ન કંપની વિશ્વામિત્ર સોશ્યલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ તથા વિશ્વમિત્ર પ્રોડયુસર નામની કંપનીના ચેરમેન મનોજકુમાર ચાંદ લક્ષી ચાંદ, હરગોવિંદસિંગ માધોસિંગ, બદનાચાંદ, વિજય પ્રતાપ શાકી, મનીષકુમાર ચાંદ લક્ષ્મી ચાંદ, અંગત કુમાર હરિલાલ મડેસીયા તેમજ પોરબદરના બ્રાંચ મેનેજરો અનિલ પતાણી તથા પ્રિતેશ કોટીયા સામે ૧૪.૭૯ લાખની રકમ ઓળવી જવાનો ગુનો નોંધાયો હતો.

આ અંગેની તપાસ જૂનાગઢ સીઆઇડી એકમના ડીટેકટીવ પીઆઇ યુ.એક.મકવાને સોંપાતા તેઓએ અને સ્ટાફના પીએસ દેવમુરારી, બી.એન.સીસોદીયા, ઝેડ.જી.બ્લોચ અને એન.જે.જોષી વગેરેએ ત્વરીત તપાસ હાથ ધરીને પોરબંદરના અનિલ પતાણીની ધરપકડ કરી તેને તપાસ અને પુછપરછ માટે ૧૪ દિવસના રીમાન્ડ પર મેળવેલ છે.

ડિટેકટીવ પીઆઇ શ્રી મકવાએ જણાવેલ કે, જે લોકો સાથે ઠગાઇ એન વિશ્વાસ ઘાત થયો છે. તેઓ હજુ અમારા સુધી પહોંચ્યા નથી. આ બંન્ને ટ્રસ્ટ અને કંપનીઓની દેશભરમાં સંખ્યાબંધ બ્રાંચો હતી અને લાખો ગ્રાહકોએ રોકાણ કરેલ. આથી આ કંપનીઓનો ભોગ બનેલા લોકોએ તાત્કાલીક પીઆઇ શ્રી મકવાનો મો.૯૦૯૯૯ ૩૯૧૦૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

(4:06 pm IST)