Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ધ્રોલ સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરજજો આપો

નગરપાલિકા પ્રમુખ એન.ડી. ચુડાસમાની વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલને પત્ર પાઠવી રજુઆત

ધ્રોલ, તા. ૪ : ધ્રોલ નગરપાકિલાના પ્રમુખ એન.ડી. ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને પત્ર પાઠવીને ધ્રોલ સામુહીક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરજજો આપવા માંગણી કરી છે.

પાલિકા પ્રમુખ એન. ડી. ચુડાસમાએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ-જામનગર મધ્યે રીલાયન્સવાળા હાઇવે પર આવેલ ધ્રોલ શહેર તમામ પ્રકારે ખુબ જ ઝડપથી વિકસતુ શહેર છે. જામનગર-રાજકોટ સુધીના ૧૦૦ કીલો મીટરમાં ડીસ્ટ્રીકટ કક્ષાની સુવિધાયુકત કોઇ હોસ્પીટલ આવેલ નથી. ધ્રોલ તાલુકા કક્ષાનું વડુ મથક હોવાથી અનેક ગામોની ખરીદીનું કેન્દ્ર છે. તથા અનેક સરકારી, અર્ધ સરકારી, કચેરીઓ તથા શૈક્ષણીક સંસ્થાઓ, છાત્રાલયો કાર્યરત હોવાથી બહોળો ટ્રાફીક તથા લોકોની અવર જવર રહે છે. ધ્રોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પીટલમાં મોટા પ્રમાણમાં લોકો દ્વારા સારવાર લેવામાં આવે છે.

ધ્રોલ શહેરની હાલની સરકારી હોસ્પીટલમાં આશરે ૪૦૦ થી પ૦૦ ની દૈનિક ઓ. પી. ડી છે. ધ્રોલ તાલુકા ઉપરાંત જોડીયા, ટંકારા, જામનગર અને પડધરી તાલુકાના નજીકના ગામો દર્દીઓ પણ આ સરકારી હોસ્પીટલમાં સારવાર લે છે. તદ ઉપરાંત ધ્રોલ શહેરના ફરતે આવેલ વાડી વિસ્તાર તથા ગ્રામ્યના સીમ વિસ્તારના મજૂરો, છાત્રો પણ સદર હોસ્પીટલમાં સારવાર કરાવે છે. આ સિવાય શહેર-ગ્રામ્ય ના સીમ વિસ્તારના મજૂરોની ડીલીવરી કેસો બહોળા પ્રમાણમાં નોંધાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સારવાર માટે સરકારી હોસ્પીટલનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઇવે પર અકસ્માતના બનાવ પણ અવાર - નવાર બનતા હોય ખાસ કરીને ક્રીટીકલ કેસોમાં તાત્કાલીક સારવાર નહી મળવાને કારણે જામનગર કે રાજકોટ ખસેડવામાં આવે છે. સમયસર સારવાર નહી મળવાથી કયારેક અકસ્માત પામનાર મૃત્યુ પણ પામે છે.

ધ્રોલ સરકારી હોસ્પીટલને સબડીસ્ટ્રીક હોસ્પીટલનો દરજ્જો આપવામાં આવે તો લોકોને ડોકટરો, સ્ટાફ, સાધનોથી વધુ સુવિધા પ્રાપ્ત થાય તો ધ્રોલ તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકાના ૧ થી ૧.૫ લાખ લોકોને ઉપયોગી થઇ શકે તેમ હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા  એન.ડી. ચુડાસમા-પ્રમુખ, ધ્રોલ પાલિકાએ માંગણી કરી છે.

(1:01 pm IST)