Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જામનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

જામનગર તા. ૪: જામનગર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આણંદાબાવા સેવા સંસ્થાના પરિસરમાંઙ્ગ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત દિવ્યાંગો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, માં અમૃતમ કાર્ડ કેમ્પ, યુ.ડી.આઇ.ડી કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી, યુ.ડી.આઇ.ડી કાર્ડ વિતરણ, દિવ્યાંગોનું સન્માન તથા સાધન સહાય વિતરણનાં કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમનો શુભારંભ રામ મૂકબધિર શાળા, અંધજન તાલીમ મંડળ જામનગર અને આસ્થા કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કર્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે, પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકીએ દિવ્યાંગ બાળકોની અનન્ય પ્રતિભાઓને પ્રભુના ખાસ સિતારાઓ કહી નવાજયા હતા.

આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેનએ પણ કહ્યુ હતું કે,  દિવ્યાંગ બાળકો એ અશકત નહીં પરંતુ સામાન્યજન કરતાં પણ વધુ સશકત છે તેમને માત્ર યોગ્ય માર્ગદર્શનની જ આવશ્યકતા છે. જેથી સમાજના સામાન્યજનો એ કે દિવ્યાંગો એ પણ કયારેય પોતાને અશકત માનવા નહીં. સાથેજ ઉમેર્યુ હતું કે, સરકારશ્રી અને સમાજ સુરક્ષા વિભાગ દિવ્યાંગોને માર્ગદર્શન આપવા અને તેમની પ્રતિભા ખીલવવામાં સતત સહકાર આપશે.  અહીં દિવ્યાંગોને ટ્રાયસિકલ, એમ.આર.કીટ, હાર્મોનિયમ જેવા સાધન સહાયનું વિતરણ કરાયું હતુ.

આ ઉજવણીમાં શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, આણદાબાવા સેવા સંસ્થાનના ટ્રસ્ટીશ્રી જયંતીભાઇ અડાલજા, ઉદયભાઇ ત્રિવેદી, કિશોરભાઇ સંદ્યાણી, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખશ્રી પ્રકાશભાઇ મંકોડી, પ્રખ્યાત ફિઝીયોથેરાપીસ્ટશ્રી ભાવીનભાઇ શાહ, આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રકટરશ્રી હરેશભાઇ હિંડોચા, રેલ્વે ઓફિસરશ્રી રાકેશભાઇ જોષી તથા દિવ્યાંગ બાળકો માતા-પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા.

મત્સ્ય ઉદ્યોગની તાલીમ  માટે અરજી ફોર્મનો પ્રારંભ

જામનગરઃ જામનગર જિલ્લામાં ભાંભરા પાણી મત્સ્યોદ્યોગની જાણકારી માટે તા. ૯ ડિસેમ્બર થી ૧૩ ડિસેમ્બર દરમિયાન પાંચ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાંભરા પાણી મત્સ્યોદ્યોગના વિવિધ પાસાંઓની છણાવટપૂર્વક સમજણ આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાત ૭ ધોરણ પાસ તેમજ વયમર્યાદા ૧૮ થી ૪૫ વર્ષ છે. આ તાલીમમાં ભાગ લેવા નિયત ફોર્મમાં અરજી કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, સુમેર કલબ રોડ, જામનગરનો સંપર્ક સાધવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની યાદીમાં જણાવ્યું છે.

(11:58 am IST)