Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કોરો ટાઢો રોટલો, ડુંગળીનો દડો, તીખુ મરચુ-ખાટી છાસ ખાઇને આંદોલન

કાલે રાજુલામાં સરકારને જગાડવા નવતર કાર્યક્રમઃ અતિવૃષ્ટિનુ નુકશાન પાકવિમો સહિતના પ્રશ્ને ખેડૂત હિત રક્ષક સમિતીનુ એલાન

અમરેલી-રાજુલા તા.૪: અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે કાલે ગુરૂવારે સવારે ૯ વાગ્યે માર્કેટીંગ યાર્ડ ખાતે પાકવિમા સહિતના ખેડૂતોના પ્રશ્ને નવતર વિરોધ પ્રદર્શન કરીને  કોરો ટાઢો રોટલો, ડુંગળીનો દડો, તીખુ મરચુ અને ખાટી છાસનો સામુહિક રીતે જમણવાર કરીને જવાબદાર અધિકારીને આવેદન પત્ર પાઠવશે.

રાજુલાનાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર, કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઇ આંબલીયાની આગેવાનીમાં રાજુલાનાં માર્કેટીંગયાર્ડ ખાતે સવારે ૯ કલાકે ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અતિવૃષ્ટિ, પાકવીમો, નીલગાય, જંગલી ભુંડ, વીજળી, પોષણક્ષમ ભાવો સહિતના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ તેમની માંગ સ્થાનિક અધિકારી મારફત રાજય સરકાર સુધી પહોંચાડશે.

આ અંગે રાજુલા-જાફરાબાદ-ખાંભાના કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઇ આંબલીયાએ જણાવ્યુ છે કે હાલમાં આપણી પરિસ્થિતી ખુબજ દયનિય છે. અને એટલે જ આપણે કપરા સમયનો સામનો કરી રહ્યા છીએ. જો પરિવારનો મોભી મુંજાય તો આખો પરિવાર મુંજાય માટે જ જગતનો તાત (ખેડુત) હેરાન હોય તો રાજય કે દેશના લોકો પણ હેરાન હોય એ સમજી શકાય છે.

બધા જ લોકોએ સમયાંતરે પોતાનામાં અને પોતાના વ્યવસાયમાં જરૂરી ફેરફારો કર્યા છે ત્યારે આપણે પણ આયોજન કરીને સમસ્યાના સમાધાન માટે થોડા અંશે ફેરફારો કરીને સરકાર ને જગાડવા/ઢંઢોળવા પ્રયત્નો કરવા પડશે.

લિલા દુષ્કાળને પહોંચી વળવા, પાક વિમા પોલીસીને પડકારવા, રોઝ ભુંડ અને જંગલી જાનવરોનો સામનો કરવા, રાત્રીના બદલે દિવસે લાઇટ મળે તે માટે અસરકારક રજુઆત કરવા અને મિનીમમ સેલ પ્રાઇઝની સુચારૂ અમલવારી કરાવવા માટે   એકત્ર થવા હાકલ કરી છે.

(11:57 am IST)