Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જુનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતિયાણા શાખાના બ્રાંચ મેનેજર સહિત પાંચ કર્મચારી સસ્પેન્ડ

સીટીએસ કલીયરીંગમાં ફરજમાં બેદરકારી સબબ સીઇઓ કિશોર ભટ્ટનું કડક પગલુ

જુનાગઢ તા. ૪ :.. જુનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતીયાણા શાખાના બ્રાંચ મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય બેંક અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતીયાણા શાખાના બ્રાંચ મેનેજર વી. બી. પરજીયા સહિતના સ્ટાફે સીટીએસ કલીયરીંગ અંગે ફરજમાં બેદરકારી દાખવી હોવાનું જણાવ્યું હતું. આ બેંક કર્મચારીઓએ કલીયરીંગમાં આવેલ ચેકના ખાતા ધારકના એકાઉન્ટમાં બેલેન્સ છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર ચેક કલીયરીંગ કરી નાખ્યા હોવાનું ખુલ્યું હતું.

આથી બેંકના બોર્ડ ઓફ ડાયરેકટરની સુચનાથી સીઇઓ કિશોર ભટ્ટે તાત્કાલીક અસરથી કુતીયાણા શાખાના બ્રાંચ મેનેજર વી. બી. પરજીયા ઉપરાંત એકાઉન્ટન્ટ પી. ડી. સાંચીયા, કલાર્ક આર. કે. વાળા, પી. બી. ઓડેદરા અને પટ્ટવાળા, આર. બી. કુબાવત સહિત બેંકના સમગ્ર સ્ટાફને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.

એક સાથે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બેડામાં હલચલ મચી ગઇ છે.

(3:53 pm IST)