Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં

ડોકટરો-સ્ટાફની જગ્યા ભરવા ૧૦૮ની સેવા વધારવા આરોગ્યમંત્રીને રજુઆત

ભાણવડ તા.૪: અહિના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની તેમજ સ્ટાફની ઘટ અંગેની લાંબા સમયથી માંગણી પડતર છે ત્યારે ફરી એકવખત આ અંગે સ્થાનિક સ્તરે રજુઆત કર્યા બાદ હવે આરોગ્યમંત્રી તેમજ હેલ્થ અને વેલફેર ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ જઇ રજુઆત કરવામાં આવી છે સાથે સાથે તાલુકાના ૫૪ ગામો અને ૨૬ જેટલા નેસ વિસ્તાર વચ્ચે હાલ એક જ ૧૦૮ની વ્યવસ્થા છે જેને વધારવા પણ માંગ કરવામાં આવી છે.

આર.ટી.આઇ. એન્ડ ગ્રીન એકટિવિટીઝ ગૃપ તરફથી આરોગ્ય વિભાગને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, ભાણવડમાં ૫૪ થી વધુ ગામડાઓ તથા ૨૬ જેટલા નેસ વિસ્તાર આવેલા છે.જેની સામે હાલ એક જ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા મળી રહી છે તે પર્યાપ્ત નથી. એક જ ૧૦૮ને કારણે ઘણી વખત એક સાથે એક કરતા વધુ આકસ્મિક ઘટના ઘટે ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે. જેથી કમ સે કમ હજુ વધુ એક ૧૦૮ એમ્બ્યુલન્સની સવલત આપવામાં આવે તો સમસ્યા હળવી થાય માટે ભાણવડને ૧૦૮ની વધુ એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી નમ્ર અરજ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ઘટની સમસ્યા લાંબા સમયથી છે જે અંગે વિવિધ સંસ્થાઓ, આગેવાનો તેમજ શહેરીજનોએ થોકબંધ રજુઆતો કરેલ છે પરંતુ આ તમામની રજુઆતો બહેરા કાને અથડાઇને રહી ગઇ છે ડોકટરોની ઘટની આ સમસ્યાઓ અંગે સરકાર સહેજપણ ગંભીર ન હોઇ ભાણવડની પ્રજાની આશા જ મરી પરવારી ગઇ છે. એક વખતના રાજયના સર્વશ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રની આજે સરકારની અને તેના સ્થાનિક નેતાઓની ઉદાસીનતાને કારણે ભારે અધોગતિ થઇ ગઇ છે. નિષ્ણાંત ડોકટરોના અભાવે આ આરોગ્ય કેન્દ્રમાં કેટલાય સાધનો ધૂળ ખાઇ રહયા છે તો કેટલાક જરૂરિયાતના સાધનોની સુવિધા જ નથી.

ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ ડોકટરોની જરૂરીયાત વચ્ચે એક જ ડોકટરથી ચલાવવામાં આવે છે. અને સમસ્યા લાંબા ગાળાથી જેમની તેમ છે આ ઉપરાંત સ્ટાફની ઘટ, વિવિધ મશીનોની ઘટની સાથે સાથે અવાર નવાર ખુટી જતાં દવાઓના સ્ટોકને કારણે ગરીબ દર્દીઓને બહારના મેડીકલમાંથી દવાઓ ખરીદવાની ફરજ પડે છે.

આ પ્રશ્ને ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ તાજેતરમાં જ સરકારને રજુઆત કરેલ છે છતાં હજુ સુધી તો કોઇ કાર્યવાહી થઇ હોય તેવું જણાતું નથી.(૧.૫)

 

(12:55 pm IST)