Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કોડીનારમાં કડોદરાના યુવકના મોત મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી ન કરાય તો આંદોલન-આત્મવિલોપનની ચીમકી

મામતદાર અને પોલીસને મૌન રેલીરૂપે આવેદન

કોડીનાર, તા. ૪ : તાલુકાના કડોદરા ગામના યુવાન પ્રતાપભાઇ ભીખાભાઇ વાળાને ગત તા. ર૩/૧૧/૧૮ના સામાન્ય ઉધરસ હોય કોડીનાર અંબુજા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં એકલા જ મોટર સાઇકલ લઇ સારવાર માટે જતા. હોસ્પિટલમાં ડોકટર અતુલ પટેલે પ્રતાભાઇને તપાસી તમામ રીપોર્ટ કરાવી સારવાર માટે દાખલ થવાનું કહેતા સારવાર દરમિયાન બપોરે ર કલાકે અચાનક કોઇ કારણોસર પ્રતાભાઇની તબીયત લથડતા તેમને આઇસીયુમાં ખસેડી વેન્ટીલેટર ઉપર લીધા બાદ પ્રતાપભાઇના સગાર જીતુભાઇએ રાત્રીના ડો. અતુલ પટેલ સાથે ફોન ઉપર વાત કરતા ડોકટરે જણાવ્યું હતું કે દર્દીને બહાર ગામ દવાખાને લઇ જવા માટે આઇસીયુ એમ્બ્યુલન્સ જરૂર પડે અને હાલ ૭ર કલાક સુધી કોઇ ઇમરજન્સી ન હોવાનું જણાવતા પ્રતાપભાઇના પરિવારજનો દ્વારા તા. ર૪/૧૧ના સવારે ૮ વાગ્યે આઇસીયુ એમ્બયુલન્સ બોલાવી દર્દીને આગળ રીફર કરવાનું હોસ્પિટલમાં કહેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સવારના ૮થી ૧ર વાગ્યા સુધી રીપોર્ટ અને ફાઇલોના બહાના કરી સમય પસાર કરી દર્દીની પરિસ્થિતિ વિષે કઇ જાણ ન કરી બપોરે પ્રતાપભાઇને આઇસીયુ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરતા એમ્બ્યુલન્સની આઇસીયુ સિસ્ટમે સપોર્ટ નહીં કરતા ડો. અતુલ પટેલે પ્રતાપભાઇનું અવસાન થયું હોવાનું જણાવી ડેથ સર્ટીફીકેટમાં મૃત્યુનું કારણ સદન કાર્ડયાકએરેસટ હોવાનું દર્શાવ્યું હતું. જયારે હકીકતે મૃતક પ્રતાપભાઇને હૃદયને લગતી કોઇ બીમારી ન હોવાનું અને હોસ્પિટલના કારણે અને પરિવારજનોની રજા આપવાની રજુઆત છતાં હોસ્પિટલ તંત્રે ચાર ચાર કલાકનો સમય વેડફી સમયસર રજા ન આપતા પ્રતાભાઇનું અવસાન થયું હોવાનું આવેદનપત્રમાં જણાવી આવા બિનઅનુભવી ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા કરી ડો. અતુલ પટેલનું લાયસન્સ રદ કરી કાર્યવાહી કરવા અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ધરણા અને આત્મવિલોપન જેવા કાર્યક્રમો કરવાની ચીમકી આવેદનપત્રના અંતે ઉચ્ચારી અંબુજા મલ્ટી સ્પે. હોસ્પિટલની બેદરકારી વિરૂદ્ધ નિકળેલ આ વિશાળ મૌન રેલીમાં જીલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો-તાલુકાના સહકારી સંસ્થાના હોદેદારો, આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો મૌન રેલીમાં જોડાઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.

અંબુજા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા પ્રતાપભાઇ વાળાના પત્ની પ્રભાબેને આજે આ ઘટના અંગે કોડીનારના પીઆઇ જે.વી. ચાવડાને પણ આવેદનપત્ર પાઠવી આ ઘટનાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતા પી.આઇ. ચાવડાએ મૃતક પ્રતાપભાઇના પેનલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયા બાદ તેના આધારે જવાબદારો સામે કોઇની પણ શેર શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

કોડીનાર તાલુકાના કડોદરા ગામના યુવાનનું અંબુજા હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે મૃત્યુ થયાના આક્ષેપો અને હોબાળા  બાદ આજે આ અંગે મૌન રેલી કાઢી આવેદનપત્ર પાઠવવાનું હોય તેમાં કોઇ અટકચારો કે અઘટીત ઘટના ન બને તે માટે કોડીનાર પોલીસે અંબુજા હોસ્પિટલ, મામલતદાર ઓફીસ, પોલીસ સ્ટેશન અને રેલીના રૂટમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અંબુજા મલ્ટી સ્પે. હોસ્પિટલના ડોકટર અતુલ પટેલનો સંપર્ક સાંધતા ડો. પટેલે જણાવ્યું હતું કે દર્દી પ્રતાપભાઇને ફેફસાની ગંભીર બીમારી હાઇબ્રોબીસ એડવાન્સ ૭ેજમાં હોવાનું રાજકોટ સીનર્જી હોસ્પિ.માં જુન મહિનામાં નિદાન થયું હતું અહી તેઓ શ્વાસની બીમારીની તકલીફની સારવાર માટે આવ્યા હતાં જેની જરૂરી સારવાર ઓકસીજન સાથે કરેલ છે દર્દીને વધુ સારવાર માટે આગળ મોકલતી વખતે તેમનું હૃઘ્ય બંધ પડી જવાની એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું તેમ ઉના અંબુજા હોસ્પિટલ અને ડો. પટેલે તપાસમાં પરેપૂરો સહકાર આપવાની ખાત્રી પણ આપી છે. (૮.૬)

 

(12:50 pm IST)