Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ધોરાજીના ચિત્રકાર પરિમલ વાઘેલાના સ્ટીલ લાઇફ ચિત્રોનું કાલથી અમદાવાદમાં પ્રદર્શન

બાદમાં ૧૪ મીથી ગોવામાં પણ કળા એકેડેમીના સથવારે આયોજન

રાજકોટ તા. ૪ : ધોરાજીના ચિત્રકાર પરિમલ વાઘેલાના સ્ટીલ લાઇફ ચિત્રોનું એક પ્રદર્શન કાલે તા. ૪ થી ૬ સુધી સવારે ૧૧ થી ૭ રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે યોજાયેલ છે. બાદમાં બીજુ પ્રદર્શન ગોવા ખાતે પણ તા. ૧૪ થી ૧૯ ડીસેમ્બર સવારે ૧૦ થી ૭.૩૦ કળા એકેડેમી ખાતે યોજાય રહ્યુ છે.

મોટાભાગે મુંબઇમાં જ ચિત્ર પ્રદર્શનો આપતા પરિમલભાઇનું આ ૧૫ અને ૧૬ મું ચિત્ર પ્રદર્શન હશે. જેમાં ચાલીસેક જેટલા સ્ટિલ લાઇફ ચિત્રો પ્રદર્શીત થશે.

તેમના મોટાભાગના પદાર્થ ચિત્રોમાં અતિ વાસ્તવીકતા લાવવા પ્રયાસ થયેલો જોવા મળે છે. ૧૬*૩૦, ૨૪*૩૩ અને ૨૮*૨૪ ઇંચના ઓઇલ તેમજ એક્રેલીક કલર્સના માધ્યમથી આ ચિત્રો કેનવાસ પર જીવંત બનાવવામાં આવ્યા છે.

મુળ ધોરાજીના વતની એવા પરિમલભાઇ વ્યવસાયે સિવિલ એન્જીનીયર છે. સિંચાઇ યોજનામાં ફરજ બજાવે છે. સંપૂર્ણપણે સ્વયંશિક્ષિત ચિત્રકાર છે. બચપણથી જ કુદરતી લગાવને તેમણે વિકસીત કર્યો. તેમની સફળતાઓ પાછળ ઇંગ્લીશ ચિત્રકાર ઓલ્વીન ક્રાસોનું મોટું યોગદાન હોવાનું તેઓ જણાવે છે.

મુંબઇ સ્થિત પ્રતિષ્ઠિત કળા સંસ્થા પ્રફુલ્લા દહાનુકર આર્ટ ફાઉન્ડેશન દ્વારા તેમને વર્ષ ૨૦૧૬ માટે અને બાદમાં વર્ષ ૨૦૧૭ માટે અમદાવાદ સીટી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. અભિનેતા જેકી શ્રોફ, અજય દેવગણ, બિસ્લેરી ઇન્ટરનેશનલના રમેશ ચૌહાણ, પ્રસિધ્ધ ચિત્રકાર સ્વ. શ્રીમતી પ્રફુલ્લા દહાનુકાર વગેરે તેમના ચિત્રોના પ્રસંશક છે. ફિલ્મ ગ્રહણમાં પણ તેમના ચિત્રો પ્રદર્શિત થયા છે.

પીરમલ વાઘેલા (મો.૯૯૦૯૯ ૨૧૮૭૮) ના ચિત્રો દેશ વિદેશના કળાપ્રેમીઓના સંગ્રહાલયોમાં સંગ્રહીત થયા છે.

(4:44 pm IST)