Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નથી ગટર કે નથી સાફ-સફાઇ થતી... વેરાવળમાં ગંગાનગરના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર

પ્રાથમિક સુવિધા માટે અનેક લેખિત-મૌખિક રજુઆતો બાદ પણ નિવેડો નહિ આવતા લોકરોષ : નવા વિસ્તારમાં મકાનો અનેક પણ સુવિધાના નામે શૂન્યઃ બોર્ડ લાગતા જ અનેક તકે-વિતર્કો

ગંગાનગરના રહીશો દ્વારા મતદાનના બહિષ્કાર અંગે લગાડાયેલ બોર્ડ દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)

વેરાવળ તા.૪: અહીયા નવા બનાવવામાં આવેલ ગંગાનગરમાં નગરપાલિકા દ્વારા કોઇપણ જાતની પ્રાથમીક સુવિધા પુરી પાડતી ન હોય જેની વારંવાર લેખીત-મૌખીક રજુઆતો કરવા છતાય કોઇપણ ઉકેલ ન આવતા સોસાયટી બહાર  ધારાસભાની ચુંટણીનો બહીષ્કાર કરેલ છે તેવું બોર્ડ લગાડવામાં આવેલ છે.

આ અંગે સ્થાનિક આગેવાનોએ રોષભેર જણાવેલ છે કે, મોટી સંખ્યામાં મકાનો બનેલ છે પણ આ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા કોઇપણ જાતની પ્રાથમીક સુવિધા આપવામાં આવતી નથી. વરસાદમાં આખી સોસાયટીમાં પાણી ઘુસી ગયેલ હતા. અહી કોઇ જાતની ગટર વ્યવસ્થા નથી, સાફ સફાઇ થતી નથી, લાઇટ પુરતી નથી નગરસેવકો જવાબ દેતા નથી.

અત્રે નોંધનીય છે કે પહેલા પણ ગીતાનગરમાં એક આગેવાન દ્વારા મતદાન બહીષ્કારની જાહેરાત કરવામાં આવેલ હતી. એવીજ રીતે દોલતપ્રેસમાં નગરપાલિકાની કામગીરીના વિરોધમાં રહેવાસીઓ પાંચ દિવસ પહેલા ભેગા થયેલ હતા સાથે જ લીલાશાહ નગર સોસાયટીમાં પણ આગેવાનો દ્વારા તમામ કામગીરી કરવાની ખાત્રી અપાયેલ છે. સોમનાથ પ્રભાસપાટણ વાલ્મીકી સમાજને પણ સતા પક્ષ દ્વારા તમામ ખાત્રીઓ અપાયેલ છે જેથી હવે અનેક સોસાયટી ઓમાં બોર્ડે લાગવાની પરંપરા શરૂ થયેલ છે જેથી લોકશાહી ના પર્વમાં બહીષ્કાર કેમ થઇ રહેલ છે? તે વિશે તર્કવિતર્કો શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યા છે.

(2:26 pm IST)