Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નરેન્દ્રભાઇ જુનાગઢમાં: જડબેસલાક પોલીસ બંદોબસ્ત

જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથનાં એસપી સહીતનો કાફલો તૈનાત

જુનાગઢ, તા., ૪: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આજની જુનાગઢ ખાતેની ચુંટણી સભાને લઇ મતદારોને ભારે ઉતેજના પ્રવર્તે છે. શ્રી મોદીને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી પડી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના જ દિવસો બાકી છે ભાજપ-કોંગ્રેસે ચુંટણી પ્રચાર માટે રાત-દિવસ એક કર્યા છે. ગઇકાલથી ગુજરાતના ચુંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

આજના બીજા દિવસના ચુંટણી પ્રવાસનો પ્રારંભ પીએમ મોદીએ ધરમપુર ખાતેથી કર્યો છે. ધરમપુર બાદ તેઓ ભાવનગર અને જુનાગઢ જામનગર ખાતે સભા સંબોધવાના છે. જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે બપોરે બે વાગ્યે શ્રી મોદીની સભા રાખવામાં આવી છે. પરંતુ તેવો નિર્ધારીત સમય કરતા મોડા આવવાની શકયતા છે.

પીએમ મોદી વડાપ્રધાન થયા પછી પ્રથમ વખત જ જુનાગઢ આવતા પોલીસ કાફલો ખડેપગે છે.

વડાપ્રધાન મોદીની જુનાગઢની સભામાં જુનાગઢ ઉપરાંત વિસાવદર, કેશોદ, માંગરોળ અને માણાવદર બેઠકનાં ઉમેદવારો તેમજ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહેશે.

શ્રી મોદીને સાંભળવા માટે સવારેથી લોકો ઉમટી પડયા છે. સભા સ્થળે પીવાના પાણી સહીતની પ્રાથમીક જરૂરીયાતની ગોઠવણ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લામાં પાંચ બેઠક પૈકી વિસાવદર, માણાવદર અને માંગરળ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે અને જુનાગઢ તથા કેશોદ સીટ ભાજપ પાસે છે. આ વખતની વિધાનસભા ચુંટણીમાં ભાજપે ૧પ૦ પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે અને જે પાર પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહીત પાર્ટીના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે.

(2:22 pm IST)