Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બુધવારે હાર્દિક પટેલનો અમરેલીમાં રોડ-શો, ખેડૂત સંમેલન

અમરેલી, તા. ૪ :. પાટીદારોના ગઢ તથા રાજધાની સમાન અમરેલીમાં તા. ૬ ના રોજ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનું આગમન થઈ રહ્યુ છે ત્યારે હાર્દિક પટેલના રોડ-શો તથા ખેડૂત સંમેલનને લઈને અમરેલીના દરેક સોસાયટી તથા વડીયા, કુંકાવાવ, અમરેલીના ૧૧૫ ગામોમાં ઉત્સાહના ઘોડાપુર આવ્યા છે ત્યારે હાર્દિક પટેલના રોડ-શો તથા ખેડૂત સંમેલનને લઈને અમરેલી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશભાઈ બાંભણીયાની અધ્યક્ષતામાં આયોજનની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમા ઉપસ્થિત સૌનું સ્વાગત સહકન્વીનર ભૂપતભાઈ સાવલીયાએ કર્યુ હતુ તથા પાસના પ્રદેશ પ્રવકતા હરેશ બાવીશીએ હાર્દિક પટેલ તા. ૬-૧૨ને બુધવારે સવારે ૧૦ કલાકે વડીયા મુકામે આવશે ત્યાર બાદ વડીયાથી કુંકાવાવ રોડ-શો, બપોરના ૧.૦૦ કલાકે ખેડૂત સંમેલન, કુંકાવાવથી નાની કુંકાવાવ, જંગર, હોલડા, મોટી આંકડીયા રોડ-શો તથા કુંકાવાવથી અમરેલી રોડ શો અને બપોરના ૪.૦૦ કલાકે અમરેલીના કામનાથ ભવ્ય ખેડૂત સંમેલન જેમા પાટીદારો, ખેડૂતો, તમામ જ્ઞાતિના લોકો, બેરોજગારો વિ. લગભગ ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) લોકોની જનમેદનીને હાર્દિક પટેલ સંબોધશે તેમ જણાવી પ્રવકતા શ્રી બાવીશીએ તે દિવસે પોતપોતાના કામધંધા બંધ રાખીને રોડ-શોમાં ઉમટી પડવા હાંકલ કરી હતી. અમરેલીમાં હાર્દિક પટેલની સભામાં ઉમટી પડવા શહેર કન્વીનર જગદીશ તળાવિયા, પરેશ ખેડૂત વિ. અપીલ કરી હતી. આ તકે વિધાનસભાના ડાયરેકટર હસમુખ પટેલે આયોજનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર શહેરમાંથી ૭૦૦ (સાતસો) યુવાનો ઉમટી પડયા હતા. જે મીટીંગને સફળ બનાવવા શિવલાલ હપાણી, ભરતભાઈ ચકરાણી, નિમેષભાઈ બાંભરોલીયા વિ.એ જહેમત ઉઠાવી હતી.

(12:36 pm IST)