Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો-આટકોટમાં જાહેરસભાઃ સાંજે મોરબીમાં

પાટીદાર અનામત આંદોલન સમીતિના કન્‍વીનરની પાંચમી વખત મુલાકાત

'પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલનો આજે જસદણથી આટકોટથી ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. હાર્દિક પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરી હતી તે નજરે પડે છે

રાજકોટ તા. ૪ :.. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસ' કન્‍વીનર હાર્દિક પટેલનો  આજે જસદણમાં રોડ શો યોજાયો છે. જયારે આટકોટમાં જાહેરસભા યોજાઇ છે. હાર્દિક પટેલ સાંજે મોરબી પહોંચશે.

જસદણ

જસદણઃ જસદણ અને આટકોટમાં પાસના અગ્રણી હાર્દિક પટેલે આજે સોમવારે ભવ્‍ય રોડ-શો અને જંગી જાહેરસભા યોજેલ છે ત્‍યારે લાખમણનો સવાલ એ ઉપસ્‍થિત થાય છે કે, જસદણ બેઠક પર ભાજપને પાટીદાર સમાજ તરફથી કેવો પ્રતિસાદ મળે છે ? જસદણ વિધાનસભાની બેઠક માટે અંદાજિત ૬૦ હજાર જેટલા બન્ને તાલુકામાં મતો છે અને પાટીદારોએ વર્ષોથી ભાજપની વોટબેંક રહી છે પરંતુ ગત જીલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોમાં હાર્દિક પટેલની અસર થતા કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્‍વ રહ્યુ હતુ ત્‍યારે આજે સોમવારે હાર્દિક પટેલ પાંચમી વખત જસદણ આટકોટ પંથકની મુલાકાત લીધી છે ત્‍યારે હાલ વિધાનસભાના ચૂંટણી ઉમેદવારોને સમાન્‍ય ઠંડીમાં કડકડતી ઠંડી લાગવા માંડી છે.

આજે સવારે હાર્દિક પટેલે જસદણ તાલુકાના લીલાપુર ગામે આવેલ પટેલ સમાજના વિખ્‍યાત મોહનદાદાની દેરીએ નમન કરી રોડ-શો કર્યો હતો. જેમાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં વિવિધ જ્ઞાતિઓએ સન્‍માન કર્યુ હતું. આ સન્‍માન કેમ થયું  તે અંગે કોઇએ સ્‍પષ્‍ટતા કરી નહોતી પણ કદાચ મતોનું રાજકારણ હોય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને હાર્દિક મદદ કરી શકે એવું ચર્ચાતુ હતું. જસદણથી રવાના થઇ આટકોટ ચોકડી પાસેના વિશાળ મેદાનમાં પ્રવચન આપ્‍યું જેમાં ભાજપને આડે હાથે લીધો હતો.

મેદાનમાં આટકોટ, વિરનગર, જંગવડ, સાણથલી, જસદણ, પાંચવડા, જીવાપર જેવા અનેક ગામોમાંથી પાસના સમર્થકોએ હાર્દિકને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. ખાસ કરીને બાળકોએ પણ હાર્દિકનો મુખવટો ધારણ કર્યો હતો.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણીને એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્‍યારે પ્રચાર ઝુંબેશ વેગ પકડી રહ્યો છે. રવિવારથી પ્રચારના નિર્ણાયક તબક્કાનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં પીએમ મોદી ઝંઝાવતી પ્રચાર માટે ફરીથી મેદાનમાં ઉતરશે તો પાસના કન્‍વીનર હાર્દિક પટેલ પણ મોરબીમાં પરિવર્તન મહાસંમેલન યોજી ભાજપના ગઢમાં ભાજપને પડકાર આપશે.

વર્ષોથી ભાજપના પરંપરાગત ગઢ માનવામાં આવતા મોરબી જીલ્લામાં પાટીદાર આંદોલનની અસર વધુ હોય અને આંદોલન ના એપી સેન્‍ટર એવા મોરબી જીલ્લામાં ભાજપને જબરો પછડાટ આપવા પાસના કન્‍વીનર હાર્દિક પટેલ સભાની હારમાળા સંબોધી રહ્યા છે. ગત બુધવારે માળીયાના ખાખરેચી અને બાદમાં રાજકોટ અને ગુરૂવારે લુણસર ખાતે સભાને મળેલા પ્રતિસાદ બાદ ફરીથી મોરબીમાં તેની સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મોરબી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તા. ૪ ને સોમવારે સાંજે ૭ કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે પરિવર્તન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં હાર્દિક પટેલ સભાને સંબોધન કરશે તો પાસની સભાને મળી રહેલા જબરા પ્રતિસાદથી ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે અને ભાજપને તેના જ ગઢમાં પડકાર ફેંકવામાં આવી રહ્યો છે જેની વત્તા ઓછા અંશે અસર પણ પરિણામો પર જોવા મળી શકે છે.

 

(4:43 pm IST)