Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ટંકારા તાલુકાના ગજડી ગામમાં મતદાન બહિષ્કાર

પાણી, રસ્તા સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભારે રોષ

ટંકારા તા. ૪ :.. તાલુકાના ગ્રામજનો એક વીસમી સદીના બદલે એક વસમી સદીમાં જીવી રહ્યાનું અનુભવી રહ્યા છે.

ગજડી ગામના ગ્રામજનોએ આ ચૂંટણીમાં પોતાનો મત, ભાજપ કે કોંગ્રેસને નહી પરંતુ પાણી અને રોડ, રસ્તાના પ્રશ્નને આપવાનું નકકી કરેલ છે.

ગજડી ગામ ટંકારા તાલુકા મથકથી ફકત ર૦ કિલો મીટર દૂર છે. આજ સુધી જોડીયા તાલુકામાં અને જામનગર જીલ્લામાં આ ગામ હતું.

મોરબી જિલ્લાની નવ રચના પછી ગજડીનો સમાવેશ, ટંકારા તાલુકામાં અને મોરબી જિલ્લામાં કરાયેલ છે.

આઝાદી મળ્યાના ૬૦ વર્ષથી ગજડી ગામની સતાવાળાઓ, અધિકારીઓ અને રાજકરણીઓ દ્વારા સતત ઉપેક્ષા કરાયેલ છે. ગજડી ગામના પ્રશ્નોની રજૂઆતોને કોઇ ધ્યાનમાં લેતું નથી કે પ્રશ્નો ઉકેલતું નથી.

ગજડી ગામમાં સુવિધાના નામે મીંડુ છે. નથી...નથી...નું લિસ્ટ લાંબુ છે. ગજડીમાં પીવાનું પાણી મળતું નથી. બહેનોને બે થી ત્રણ કીલો મીટર દૂર પાણી ભરવા જવું પડે ેછે. કુંવરબેન ગરચર તથા મંજૂલાબેન ગોમટાએ જણાવેલકે નર્મદાનું પાણી છેવાડાના ગામ સુધી પહોંચાડયાના બણગા ફુંકાય છે. અમારી ગજડી ગામની મહીલાઓની વેદના કોઇ સાંભળતું નથી.

ગજડી ગામના સરપંચ હરસુરભાઇ જાવીયા ઉપરસરપંચ રાજેશભાઇ આહીર આગેવાન મૌમૈયાભાઇ સવસેટાએ તથા ગ્રામજનો દ્વારા તાજેતરમાં જ ટંકારા મામલતદારને આવેદન પત્ર આપેલ. પરંતુ પાણી પુરવઠા બોર્ડ પાણી પ્રશ્ન ઉકેલતું નથી.

સરપંચ હરસુરભાઇ આહીર તથા સુરેશભાઇ આહીરે જણાવેલ કે, ટંકારાથી ધુનડા સુધી ડામર રોડ છે. ધુનડાથી ગજડી ડામર રોડ નથી. વાડીએ જવાના રસ્તા નથી. ગજડી ગામના ખેડૂતોની ૪પ૦૦ એકર જેટલી જમીન નદીના સામે કાંઠે છે. નદી ઉપર પુલ નથી. ખેડૂતોને નદી  પાર કરી વાડીએ જવું પડે છે.

ગજડીમાં ગ્રામ પંચાયત ઓફીસ નથી. સરકારી કે પ્રાઇવેટ દવાખાનું નથી. પોસ્ટ ઓફીસ નથી. બેન્ક નથી. એટીએમ નથી. સહકારી મંડળી નથી. બસ સ્ટેન્ડ નથી.

માંદગી તથા ડીલીવરીના પ્રસંગે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

સરપંચ હરસુરભાઇ જાળીયાએ જણાવેલ કે ધારાસભાની ચૂંટણી જાહેર થયેલ છે. પરંતુ આજ સુધી ભાજપકે કોંગ્રેસના ઉમેદવારોએ આ ગામની મુલાકાત લીધેલનથી.

સરપંચ ગ્રામજનો તથા મહીલાઓ દ્વારા આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસનો મત આપવાના બદલે પાણી, રસ્તાના પ્રશ્નને વોટ આપવાનું નકકી કરી મતદાનનો બહિષ્કાર કરાશે.

(12:33 pm IST)