Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાવનગરમાં કોંગ્રેસના દિલીપસિંહ તરફી લોકજુવાળ

જાગૃત-નિષ્ઠાવાન ધારાસભ્યની છાપ ધરાવે છે કોંગી ઉમેદવારઃ કહો દિલ સે દિલીપસિંહ ફીર સે : ચૂંટાયા બાદ પણ સાદગીથી લોકો વચ્ચે રહેનાર ગોહિલની પસંદગીથી લોકોમાં ઉત્સાહ

ભાવનગરમાં ભાજપના પ્રમુખ સામે કોંગ્રેસે નિષ્ઠાવાન પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અહીયા પ્રમાણિકતા અને વ્યકિત જોઈને મત આપી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં જોડાવા લોકોને અનુરોધ કર્યો છે તસ્વીરમાં દિલીપસિંહ ગોહિલના ભાવનગરમાં લહેરાતા બેનરોની તસ્વીર જોવા મળે છે

રાજકોટ, તા. ૪ :. ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારોને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવનગરના પશ્ચિમ બેઠક ઉપર પ્રતિષ્ઠાના જંગમાં કોંગ્રેસે નિવડેલા, જાગૃત અને નિષ્ઠાવાન પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલને મેદાને ઉતારતા મતદારોમાં ભારે ઉત્સાહ નજરે પડી રહ્યો છે. લોકો તથા કાર્યકરો 'કહો દિલ સે દિલીપસિંહ ફિર સે'ના સૂત્ર સાથે આ જાગૃત પ્રહરીને સમર્થન આપી રહ્યાનું દિલીપસિંહ ગોહિલના સમર્થકોએ અકિલાને જણાવ્યુ છે.

અગાઉ ઘોઘા બેઠક પરથી વિજય બનેલા દિલીપસિંહ ગોહિલ શાંત, સરળ અને લોકો વચ્ચે રહેનારા આગેવાનની છાપ ધરાવે છે. તેમનો ટૂંકો પરિચય જોઈએ તો ૧૯૭૩માં શામળદાસ આર્ટસ કોલેજમાં જીએસ તરીકે ચૂંટાઈને આગેવાન તરીકેની કારકીર્દીનો તેમનો પ્રારંભ કર્યો હતો. યુવાન વયે જ તેમણે નીડર, સ્વચ્છ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.

બી.એ., બી.એડ્., એલ.એલ.બી. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી તેમણે વરતેજ હાઈસ્કૂલમાં આદર્શ શિક્ષક તરીકે લોકચાહના મેળવેલ. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ભાવનગર યુવક કોંગ્રેસના પ્રમુખ રહ્યા, ૧૯૮૫થી ૧૯૯૦ સુધી ઘોઘા બેઠકના ધરાસભ્ય તરીકે સેવા બજાવી. ૧૯૯૨થી ૨૦૦૩ સુધી ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહ્યા.

તેમની નોંધપાત્ર કામગીરીમાં નેધરલેન્ડ સરકારની સહાયથી ઘોઘા મત વિસ્તારના ૭૬ ગામમા પીવાના પાણીની યોજના શરૂ કરાવેલ. ઘોઘા તાલુકામાં માામસા ખાતે જીઆઈડીસી પણ શરૂ કરવા સહિતના વિકાસ કાર્યો કરાવ્યા.

લોકોની સેવામાં સતત કાર્યરત એવા દિલીપસિંહ ગોહિલે ગુજરાતમાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરદાર પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) જેવી સંસ્થા શરૂ કરાવી. જૈન સમાજ માટે પાલીતાણા દર્શન માટે એકસપ્રેસ ટ્રેઈન ચાલુ કરાવવા કેન્દ્રમાં અભિયાન ચલાવેલ અને ટ્રેન ચાલુ કરાવી.

આ ઉપરાંત શ્રી ગોહિલે સમગ્ર ગુજરાતમાં જવાહર નવોદય વિદ્યાલયોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ભાવનગર જિલ્લામાં લિગ્નાઈટ આધારીત વિદ્યુત મથક સ્થાપી શકાય તે માટે સક્રિય રહીને જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોની પડખે રહ્યા હતા.

ભાવનગરમાં મેડીકલ કોલેજ મેળવવા માટે લોકઆંદોલનનું નેતૃત્વ તેમજ યુનિવર્સિટીની જમીન સંપાદન તેમજ ભાવનગરના ઔદ્યોગીક વિકાસમાં પણ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ હંમેશા અગ્રેસર રહ્યા છે.

કોંગ્રેસ પક્ષે દિલીપસિંહ ગોહિલની લોકચાહના, સાદગી, પ્રમાણિકતાને ધ્યાને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પરાસ્ત કરવા માટે પસંદગી કરી છે. દિલીપસિંહે ઉમેદવારી પત્રક ભરતા જ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના વિરોધીઓમાં એક અલગ જ ઉત્સાહ ફેલાયો છે. તેમના સમર્થકો તથા દિલીપસિંહ ગોહિલ જીત માટે મજબૂત રીતે આશાવાદી છે.

(12:50 pm IST)