Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જુનાગઢ જિલ્લામાં ૧૩ હજાર કર્મચારીઓ દ્વારા પોસ્ટલ મતદાનઃ મતપેટીઓ સીલ

જૂનાગઢ તા. ૪ : જુનાગઢ જિલ્લામાં આગામી તા.૯ ડીસેમ્બર મતદાનના દિવસે ચુંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ પોતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર અને જે તે વિધાનસભાની બેઠકના ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બે દિવસ સુધી કર્મચારીઓનું મતદાન થયું હતું. ચુંટણીમાં રોકાયેલા ૬૦૦૦થી વધું પોલીંગ સ્ટાફ અને ૭૦૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓને ચુંટણીમાં ફરજ સોંપવામાં આવી છે. તેમાંથી અંદાજે ૭૦ ટકા કર્મચારીઓએ પોસ્ટલ મતદાન પત્રથી મત આપવાનું ફોર્મ નં.૧૨ની માંગણી કરી હતી.જે અંતર્ગત  પાંચેય વિધાનસભા વિસ્તારમાં તાલીમના સ્થળે બે દિવસ મતદાનની પ્રકિયા ચાલી હતી.

ગઇકાલ તા.૩૦ નવેમ્બરના રોજ પ્રીસાઇડીંગ ઓફિસર, ફર્સ્ટ પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીએ મતદાન કયું હતું. આજે પોલીસ, હોમગાર્ડ અને મહિલા કર્મચારીઓએ મતદાન કર્યું હતુ.જૂનાગઢમાં આજે પોલીસ હેડકર્વાટર જયશ્રી રોડ પરના કોમ્યુનિટી હોલ ખાતે ૬૬૧ પોલીસ કર્મચારીએ મતદાન કયું હતું અને ગઇકાલે ૪૪૧ મત પડયા હતા.કુલ ૩૦૦૦ ફોર્મ માંગણી મુજબ જૂનાગઢથી ઇસ્યુ કરવામાં આવ્યા છે.

  વંથલીના ચુંટણી અધિકારી શ્રી કેયુર જેઠવાએ જણાવ્યું હતું કે વંથલી ખાતે ગુરૂકુળ નજીક શાળામાં અલગ અલગ પાંચ રૂમમાં મતકુટીર બનાવીને અંદાજે ૫૦ કર્મચારીઓને મતદાનની કામગીરી સોંપીને સફળતાપુર્વક પોસ્ટલ મતપત્રથી મતદાનની કામગીરી કરવામાં આવી હતી. વંથલીમાં ૮૩૯ મત પડયા હતા.પોલીસ કર્મચારીઓની મોટી લાઇન હોવાથી બે કાઉન્ટર પર સહાયકો પણ રાખવામાં આવ્યા હતા.

કેશોદના ચુંટણી અધિકારી શ્રી રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે , ગઇ વિધાનસભાની ચુંટણીમાં કેશોદ વિધાસનભા વિસ્તારમાં ૨૫૦૦ મતદારોએ પોસ્ટલ બેલેટથી મત આપ્યા હતા. આ વખતે અંદાજે ૩૦૦૦ ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ગઇકાલે કેશોદમાં ૪૫૭ મત પડયા હતા. વિસાવદરમાં ૧૩૧ કર્મચારીઓનું મતદાન થયું હતું. વિસાવદરમાં ૧૨૦૦ ફોર્મ ઇસ્યુ થયા છે. માંગરોળમાં પણ આજે પોલીસ કર્મચારીઓએ મતદાન કયું હતું.  ગઇકાલે જિલ્લામાં કુલ ૧૩૫૪ મત નાંખવામાં આવ્યા હતા. હજુ કર્મચારીઓ પોસ્ટથી પણ કવર મતદાન કરી શકશે. મતદાનના સ્થળે પાંચેય બેઠકની મતપેટીઓ રાખવામાં આવી હતી.જેથી અલગ વિસ્તારમાં રહેતા કર્મચારીઓ પણ તેમનો મત નાખી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી.(૨૧.૩)

 

(9:21 am IST)