Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

તળાજા માર્કેટીંગ યાર્ડમાં બારદાનના અભાવે મગફળીનું વેચાણ થતુ નથી

 ખેત પેદાશ પર નભતા તળાજાના મગફળી પકવી હોય તેવા ખેડૂતો હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સારી કવોલીટીની મગફળી પોતાની કયારે વેચાશે અને કયારે રૂપિયા ગજવામાં આવશે તેની ફિકર કરી રહ્યા છે કારણ કે ગુજકોટ દ્વારા તળાજામાં મગફળીનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બારદાનના અભાવે મગફળી તોળાતી કે ખરીદાતી નથી.

તરસરા કોટન મંડળીની નિમણુંક ગુજકોટ દ્વારા મગફળી ખરીદવા માટે કરી છે. યાર્ડની મુલાકાત દરમિયાન હજારો ખેડુતો પોતાની મગફળી વેચવા આવે છે પરંતુ બારદાન નથી આવશે ત્યારે જાણ કરવામાં આવશે તેમ નાછુટકે મંડળીના જવાબદારોને જવાબ આપવો પડે છે.

મંડળીના અધ્યક્ષ નવનીતભાઇ લશ્કરીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૪ દિવસથી અમદાવાદ સ્થિત ગુજકોટની કચેરીએ મોબાઇલ અને રૂરૂ જઇ બારદાન આપવાની વારંવાર રજુઆત છતાં પરિણામ ન મળતા ખેડુતો અને મંડળીના જવાબદારો પરેશાની વેઠી રહ્યા છે.

ગુજકોટ દ્વારા બારદાન મોકલવામાં ન આવતા યાર્ડના કર્મચારીઓ, હોદેદારોની હાલત પણ કફોડી બની છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અંદાજીત ત્રણ હજાર ખેડુતો છેલ્લા અઠવાડિયામાં મગફળીનો નમૂનો ગુજકોટમાં વેચવા માટે લવાયા હતા. દોઢ લાખ ગુણી મગફળી ખરીદી શકાય તેટલા નામો નોંધાયા છે પરંતુ બારદાનના અભાવે કામગીરી ઠપ્પ થઇ ને પડી છે.

ખેડુતોને ચિંતા એ છે કે મગફળી ગુજકોટ કયારે ખરીદશે અને તેના નાણા કયારે મળશે ? આ બાબતે ખેડુતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે જે આવતા દિવસોમાં રોષ સ્વરૂપે રસ્તા પર પણ જોવા મળે તો નવાઇ નહી !

 

(9:20 am IST)