Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જામનગર જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના ભાગરૂપે તકેદારીના પગલા અંગેની બેઠક યોજાઇ

જામનગર,તા.૪:ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્વમાં ઉદભવેલ ડીપ્રેશનના કારણે 'મહા'વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં, અધ્યક્ષશ્રી દ્વારા માછીમારોને પરત આપવાની સુચના તેમજ વોર્નીંગ સિગ્નલ્સના પ્રસારણ માટે મરીન વિભાગને સુચના આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરેલ છે. જે અન્વયે માછીમારો કે બોટો દરીયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૂમને સતર્ક રહેવા,  અગરીયાઓને દરીયાથી દુર રહેવા અને હાલના તબકકે તેમની પ્રવૃતિ સ્થગીત કરવા અને સબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્તરે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા કલેકટરશ્રી રવિશંકર દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, મદદનીશ કલેકટરશ્રી યોગેશ ચૌધરી,  ધ્રોલનાં ટીડીઓ સ્નેહલબેન, વિવિધ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:18 pm IST)