Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ સાથે મારામારીઃ ફરિયાદ

 ખંભાળીયા તા.૪: ખંભાળિયા શ્રીજી શોપીંગમાં આવેલી કલરવ બાળકોની હોસ્પીટલમાં ફરજ બજાવતા હેંમત પીઠાભાઇ ચાવડા રહે. વડત્રા વાળાએ ખંભાળિયા પોલીસ મથકમાં અબુ કાસમ ભોકલ તથા સાહેદો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨ના અબુ ભોકલનો પુત્ર સાહિલ (ઉ.વ.૬)નો અત્રેની હોસ્પીટલમાં દાખલ હોય અને તેને સારવાર માટે જામનગર લઇ જવા આરોપી અબુ ભોકલે જણાવતાં મેં જણાવેલ કે ડોકટર સાહેર રીફર ચીઠ્ઠી લખી આપે પછી તમે લઇ જાવ આમ કહેતાં આરોપી સાથે રહેલા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ જઇ આટલી બધી વાર કેમ લાગી કહી બોલાચાલી કરી પછાડી દઇ ઢીકાપાટુનો મારમારી તથા સાહેદ દિલીપને પણ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખંભાળિયા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડના ઝારેરામાં ખેતરના રસ્તે ચાલવા બાબતે મહિલાને ધમકી

તાલુકાના ઝારેરા ગામે રહેતા સતીબેન માલદેભાઇ ધ્રુત (સગર) ઉ.વ.૬૦ના મહિલા પોતાની ખેતીની જમીનમાં હોય ત્યારે દીલીપ મનસુખ પાથર, જયસુખ મનસુખ પાથર, મનસુખ ગોવા પાથર,૨ાહુલનગા પાથર વાડીમાં ગેરકાયદેસર રીતે લાકડીઓ સાથે પ્રવેશ કરી તમારે ફરીયાદી તથા સાહેદોને જણાવેલ કે, તમારે કેનાલના સર્વિસ રોડ ઉપરથી ચાલવું નહી નહિંતર ટાંટીયા ભાંગી નાખીશ તેમજ ગાળો કાઢી પથ્થરોના ઘા મારી રાહુલ નગા પાથરે જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે તમામ વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સલાયામાં પરિણીતાને સાસરીયાનો ત્રાસ

ખંભાળિયા તાબેના સલાયાના મારૂતીનગર ભડેલા વાસમાં રહેતી પરિણીતાને પતિ સહિત સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતાં પરિણીતા યાસ્મીનબેન શાહિલ ધાવડાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે, મારા લગ્ન જીવન દરમ્યાન પતિ શાહિલ હારૂન ધાવડા, સસરા હારૂન અબુ ધાવડા, સાસુ નુરજાબેન હારૂન ધાવડા,સુમેરા ઇમરાન બધા સાથે મળી મેણાટોણા મારી શારિરીક માનસીક શારિરીક દુઃખત્રાસ આપી મારકુટ કરે છે. ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં જૂગાર રમતાં છ ગિરફતાર

દ્વારકામાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટના પાકિંગમાં કેટલાક શખ્સો જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરતાં હવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં જૂગાર રમતાં જીતેન્દ્ર વિઠલદાસ વિઠલાણી, વિઠલ જેઠાલાલ સોમૈયા, વિજય ખીમજી બથીયા, વસંત મથુરદાસ મોદી, દેવા સોમા હાથીયા, દિલીપ જેન્તીલાલ બથીયાને રોકડા રૂ.૧૩,૨૯૦ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મિઠાપુરમાં મોબાઇલમાં લુડો ગેમનો જૂગાર રમતાં બે ઝબ્બે

મિઠાપુરના સુરજકરાડી પાસે મલારા તળાવ નજીક મોબાઇલમાં લુડો ગેમનો જૂગાર રમી પૈસાની હારજીત કરતાં ભાયાગેલા મોવર તથા રામભા ઉર્ફે રામુડી રાયમલભા માણેકને મોબાઇલ તથા રોકડ મળી રૂ.૫૭૦૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી મિઠાપુર પોલીસે હાથ ધરી હતી.

(1:15 pm IST)