Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિરપુરમાં પૂ. જલારામબાપાની જન્મજયંતિની ભવ્યતાથી ઉજવણી

ઘરે-ઘરે આસોપાલવના તોરણ, રંગોળી રોશનીનો ઝગમગાટઃ દિવાળી જેવો માહોલ છવાયો

વિરપુરમાં પૂ. જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ ભાવિકોની ભીડ જામી હતી. (તસ્વીરઃ કિશન મોરબીયા. ભાવેશ ભોજાણી. વિરપુર. ગોંડલ)

વિરપુર (જલારામ) તા.૪: જેતપુર નજીક રાષ્ટ્રીય  સંત પૂ. જલારામ બાપા ની રર૦ મી જન્મ જયંતિની વિરપુર જલારામ મંદિરે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતીે.

પૂ. જલારામ બાપાની જન્મ જયંતિએ  માત્ર વિરપુર જ નહિ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી પણ બાપાના ભકતો દર્શનાર્થે ઉમટી પડયા છે.

પૂ. જલારામ બાપાના જન્મને વધાવવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા આવેલ ભકતો પૂ. જલારામ બાપાના દર્શન માટે  ભારે અધીરા બન્યા હતા. પૂ. બાપાના દર્શન માટે ભકતો વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી જ કતારમા ઉભા રહી ગયા હતા.  આજે પૂ. જલારામ બાપાની રર૦ મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે મંદિરે વહેલી સવારથી જ ભકતોની ભારે ભીડ સાથે ચહલપહલ જોવા મળી હતી.

વિરપુરની બજારોમાં પણ ભકતોની ગીર્દી વચ્ચે ભારે સજાવટ  જોવા મળી હતી. વિરપુરની બજારો પણ વહેલી સવારથી જ ખુલી ગયેલી હતી.  લોકોએ બાપાને ધરવા માટે નાળીયેર તેમજ પ્રસાદીની ખરીદી કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વમાં આ એક વિરપુર ધામનુ જલારામ મંદિર છે ત્યાં કોઇ પણ રોકડ રકમ દાન કે ભેટ તરીકે સ્વીકારાતી  નથી.

પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમીતે વહેલી સવારે બાપાની મંગળા આરતીમાં ભકતોના ઘોડાપુર ઉમટયા હતા.  ભાવિકોનો ઘસારો એવો હતો અને મંદિર દ્વારા વ્યવસ્થા પણ સુંદર ગોઠવાય હોય કોઇ અવ્યવસ્થા જોવા મળી ન હોતી.

વહેલી સવારે આરતી બાદ દર્શન બાદ ભાવિકો કતારબધ્ધ લાઇનમાં બાપાનો પ્રસાદ લેવા માટે ગોઠવાયા હતા.  ત્યાં પણ હજારો ભાવિકોએ શિસ્તબધ્ધ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આજે વિરપુર જલારામ ધામમાં ઠેર-ઠેર જય જલીયાણ નો નાદ ગુંજી રહ્યો છે. બજારોમાં ભકતો ઉમંગભેર પોતાના તથા પરિવારના સભ્યો માટે મનપસંદ વસ્તુઓ ખરીદ રહ્યા છે.

તમામ ધંધાર્થીઓને વિરપુરની બજારમા વેપારમાં તડાકો પડયો છે. વેપારીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી રહી છે.

'જયાં  ટુકડો ત્યાં હરી ઢુંકડો' ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૦મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડેલા જેઓએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

પૂજય જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા દ્યેર- દ્યેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમા જલારામ બાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું દ્યોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું. ત્યાર બાદ પૂજય બાપાની ૨૨૦મી જન્મ જયંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા ૨૨૦કિલોની કેક બનાવેલ તે કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી.

ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને ૨૦ વર્ષ અને બાપાએ શરૂ કરેલ સદાવ્રતને આગામી જાન્યુઆરી મહિનામાં ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોય જલારામ ધામ દ્વારા 'સદાવ્રત દ્વિ શતાબ્દી મહોત્સવ' ઉજવવાની પણ તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં સુપ્રસિદ્ઘ કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સદાવ્રતમાં દરરોજ હજારો લોકો પ્રસાદ લ્યે છે તેમાં આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. ૨૨૦મી જન્મ જયંતી નિમીતે દેશ-વિદેશથી પૂજય જલારામબાપાના ભકતોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

(12:01 pm IST)