Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દ્વારકા પંથકમાં ૨૦ હજારથી વધુ લોકોના સ્થળાંતર માટે વ્યવસ્થાઃ ૩૦૦૦ બોટ દરિયામાંથી પરત આવી

જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અકિલા સાથે વાતચીતઃ તા. ૬ના હવામાનની સ્થિતિ જોઈ આગળના પગલા ભરાશેઃ જિલ્લા તંત્ર એલર્ટ

રાજકોટ, તા. ૪ :. ગુજરાત પર ઝળુંબી રહેલુ 'મહા' વાવાઝોડુ તા. ૬ની રાતથી તા. ૭ની વહેલી સવાર સુધીમાં દ્વારકા પંથકમાં ટક્કર લેવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયુ છે. સંભવિત અસરગ્રસ્તોના આશ્રય માટેની વૈકલ્પીક વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. દરિયામાંથી બોટોને પાછી બોલાવવામાં આવી રહી છે.

આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીના (આઈ.એ.એસ.)એ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સંભાવનાના પગલે પૂર્વ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામા આવી છે. દરિયામાં ગયેલી બોટને પરત બોલાવવામાં આવી રહી છે. આજે સવાર સુધીમાં ઓખા, રૂપેણ અને સલાયામાં ૩૦૦૦ જેટલી બોટ પરત આવી ગઈ છે. બાકીની ગણતરી ચાલુ છે. હજુ બાકી રહેલી લગભગ તમામ બોટ (કુલ ૪૦૦૦) આજે સાંજ સુધીમાં પરત આવી જશે. દ્વારકા જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ૨૦ હજારથી વધુ  લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે તો તેના માટેની વ્યવસ્થા અત્યારથી જ તૈયાર રાખવામાં આવી છે. ખેડૂતોને તેમની ખેતઉપજ સલામત સ્થળે ખસેડવા જણાવાયુ છે. આવતા દિવસોમાં હવામાનની સ્થિતિ અને સરકારની સૂચનાના આધારે જરૂરીયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(11:56 am IST)