Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાંકાનેર તીથવા ગામે ભાગી ગયેલ યુવતીને પાછી લાવવા બે જુથ વચ્ચે ધબધબાટીઃ સામસામી ફરીયાદ

ભાગી ગયેલ યુવતી યુવક સાથે ગામમાં પરત આવી છે તેવી જાણ થતા માતા-પુત્રી જતા તેના પર હુમલોઃ બંન્ને પક્ષના કુલ ૧પ શખ્સો સામે ગુન્હો નોંધાયોઃ બેની ધરપકડ

વાંકાનેર, તા., ૪: વાંકાનેરના તીથવા ગામે પ્રેમી સાથે ભાગી ગયેલ યુવતીને પાછી લઇ આવવા પ્રશ્ને બે જુથ વચ્ચે બઘડાટી બોલી જતા પોલીસમાં કુલ ૧પ શખ્સો સામે સામસામી ફરીયાદ થઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ ત્રણેક માસ પહેલા તીથવા ગામનો કોળી રમેશ કાનજી એક યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ. જે દિકરીને મેળવવા માટે અવાર નવાર રમેશ કાનજી કોળીના ઘેર દિકરીના માતા-પિતા કુટુંબીજનો તેડવા અર્થે ગયેલા પરંતુ યુવક રમેશ કાનજી કોળી આ યુવતીને લઇને કુવાડવા ખાતે ભાગી છુટેલ હતો ત્યાં પણ યુવતીના કુટુંબીજનો દિકરીને મેળવવા માટે ગયેલા. ત્યાં પણ કોળી પક્ષના જુથો સામા થઇ, ધાકધમક આપી યુવતીના પરીવારજનોને ધમકાવી ભગાડી દેતા હતા.

ગઇકાલે યુવતી તિથવા ગામે આવી છે તેવી જાણ થતા તેની બહેન અને માતા દિકરીને લેવા માટે કોળી રમેશ કાનજીના ઘેર ગયેલ ત્યારે બોલાચાલી બાદ કોળીનું મોટુ જુથ તેના ઘેર એકત્ર થઇ જતા માતા-પુત્રી પર હથીયારો વડ તુટી પડતા તેની માતાને મુંઢમાર તથા પુત્રીને ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક ૧૦૮ મારફતે સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયેલ. બાદમાં આ બનાવ જે પાત્રો માટે બન્યો છે તે પૈકીની યુવતીને પણ આ બનાવમાં ઇજા થતા સરકારી દવાખાને લાવેલ.

આ બનાવ બનતાની સાથે જ વાંકાનેર તાલુકા પોલીસ અધિકારી આર.પી. જાડેજા તથા જમાદાર વશરામભાઇ તથા તેનો સ્ટાફ ઘટના સ્થળે તીથવા દોડી ગયા હતા. જેના કારણે મોટો ગંભીર બનાવ બનતા અટકી ગયો હતો. બાદમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરીયાદ લઇ આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩ર૩, પ૦૪, ર૦૬/૨ એટલે કે રાયોટીંગ દાખલ કરી બન્ને પક્ષના મળી ૧પ સ્ત્રી-પુરૂષો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાએ હાથ ધરી છે.

જેમાં બે આરોપીઓ કોળી પાંચા કાના પાનસુરીયા તથા બાલા કાનજીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ આરોપીઓ ફરાર હોઇ જેને રાઉન્ડ અપ કરવા ચક્રો ગતીમાન થયા છે.

(11:55 am IST)