Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ડેંગ્યુના દર્દીઓ માટે સંપૂર્ણ આરોગ્ય સેવા પ્રદાન કરવા સરકાર કટીબધ્ધ છેઃ મંત્રી આહિર

રાજયમંત્રી -ધારાસભ્યએ ડેંગ્યુના દર્દીને અપાતી સારવારનું જાતે નિરીક્ષણ કર્યું

ભુજ,તા.૪: ભુજ અને સુખપર ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં ડેંગ્યુની સારવાર માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરાઇ છે. રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે તેમજ કાર્યકારી જિલ્લા સમાહર્તા પ્રભવ જોષી, સીડીએચઓ ડો.પ્રેમકુમાર કન્નરે સીટી અર્બન હેલ્થ સેન્ટરની મૂલાકાત લઇ, દર્દીઓને અપાતી સારવારનું નિરીક્ષણ પણ કર્યું હતું.

રાજયમંત્રી આહિરે ડેંગ્યુના દર્દીઓને સંપૂર્ણ માવજત માટે તંત્ર અને આરોગ્ય વિભાગને સાથે રાખીને કરાયેલ બેઠક બાદ પદાધિકારીઓ અને અધિકારીઓ ગરીબ દર્દીઓને ડેંગ્યુના તાવમાં પૂર્ણ સારવાર આપી બેઠો કરવા સરકાર દ્વારા વિનામુલ્યે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાં આરોગ્ય કેન્દ્રોમાં સારવાર મળે તે દિશામાં આયોજનબધ્ધ વ્યવસ્થા ગોઠવાઇ છે, તેની પણ વિગતો આપી હતી.

રાજયમંત્રીએ જી.કે.જનરલ હોસ્પિટલ અને અદાણી કોલેજના ૫૦ ડોકટરોની ટીમ સાથે બ્લડ સેમ્પલ લેવાના મશીનો અપાયાં છે. લોકજાગૃતિ  વધે તે માટેનું કાર્ય કરી ડેંગ્યુ તાવને ફેલાતો અટકે તે માટે દસ તાલુકા અને શહેરોમાં આજથી ડ્રાય દિવસની પણ અમલવારી શરૂ કરી દેવાઇ છે. પાણી ભરેલા તમામ પાત્રોમાં થતાં ડેંગ્યુના મચ્છરો અટકાવવા પણ એટલા જ જરૂરી છે એ માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. લોકોને પણ પ્રતિભાવ સાંપડ્યો છે. સામાજીક સંસ્થાઓ પણ સહયોગી બનવા આગળ આવે તેવી પણ અપીલ કરાઇ છે. દવાથી લઇ સાધન-સામગ્રી બંનેમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને ડેંગ્યુના દર્દીઓ માટે તમામ રાહતરૂપ પગલાં લેવા રાજય સરકાર કૃતનિશ્યયી છે.

ભુજ આસપાસમાં ત્રણ શહેરી આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા પ્રમાણમાં દવાઓ મળી રહે તે માટે તમામ સ્ટાફ ગોઠવી દેવાય છે. અંજારમાં પણ જનરલ હોસ્પિટલ અને સીટી ડીસ્પેન્સરીમાં મેડીકલ અને ચેકઅપ સારવાર કેમ્પનું આયોજન શરૂ થઇ જશે. આ ઉપરાંત ગાંધીધામ, માંડવી સહિતના શહેરી વિસ્તારોમાં આરોગ્યની વધુમાં વધુ સગવડ ઊભી કરવા સાથે મોટા પાયે જનજાગૃતિ અને ડ્રાય દિવસના કાર્યક્રમ ગોઠવાયાં તેમ પણ શ્રી આહિરે જણાવ્યું હતું.

ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે ડેંગ્યુના દર્દીઓને ઝડપભેર સાજા કરવા સાથે ગરીબ દર્દીઓને પણ રાહત મળી રહે તે માટે મફત સારવાર આપવા સાથે બ્લડ ટેસ્ટ સહિતની વ્યવસ્થા સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં કરાઇ છે. છઠ્ઠીબારી, વ્યાયામ શાળા ખાતેના અને સુખપરના અર્બન હેલ્થ સેન્ટરોમાં બધી જગ્યાએ દસ નવા બ્લડ ટેસ્ટીંગ માટેના મશીનો આવી ગયા છે. આવા દસ-દસ મશીનો ઉપરાંત ગ્લુકોઝના બાટલાં ચડાવવા સહિતની સારવાર દર્દીઓને ડેંગ્યુની અસર દૂર થાય ત્યાં સુધી અપાશે. જી.કે. જનરલ અને અદાણી હોસ્પિટલ ખાતે પણ ૫૦-૫૦ બેડના બે વોર્ડમાં અને હેલ્થ સેન્ટરોમાં જે દર્દીઓ આવશે એમને દાખલ કરી ગરીબ દર્દીઓને સંપૂર્ણ સારવાર મળી રહે તેવું રાજય સરકારનું સારૃં આયોજન પણ ગોઠવાયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(11:52 am IST)