Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કચ્છ-ભચાઉમાં બે ઇંચથી પણ વધારે વરસાદથી જળબંબાકાર

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન : મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતમાં કમોસમી વરસાદ સતત જારી : કૃષિ સમુદાયમાં ચિંતાનું મોજુ ફેલાયું

અમદાવાદ, તા.૪ : અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અસર દેખાડી રહ્યું છે ત્યારેઆજે કચ્છના ભચાઉ, અબડાસા, નખત્રાણા, મુન્દ્રા સહિતના તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જેમાં અબડાસા તાલુકાના નલિયામાં અને મુન્દ્રા તાલુકાના કણજરા ટપ્પર વિસ્તારમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના વિવિધ પંથકો અને વિસ્તારોમાં આજે પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. હજુ પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોના પાકનું મોટાપાયે ધોવાણ થતાં પાકને બહુ વ્યાપક અને ગંભીર નુકસાન થયુ  હતુ. મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજયના હવામાન અને વાતાવરણમાં નોંધનીય પલ્ટો આવ્યો છે.

                  ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે અસર વર્તાવી છે. ક્યાર વાવાઝોડુ તો ચાલ્યું ગયું પરંતુ મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ વર્તાઇ રહી અને તેની અસરના ભાગરૂપે આ ક્ષેત્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ આજે પણ ચાલુ રહેવા પામી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ કમોસમી વરસાદનો માર ચાલુ રહ્યો હતો. બીજીબાજુ, કમોસમી વરસાદને લઇ ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા હતા અને કપાસ, મગફળી, બાજરીનો તૈયાર પાક નિષ્ફળ ગયો હોઇ બહુ મોટી નુકસાનીનો ભોગ બન્યા છે. તો, બનાસકાંઠાના ખાસ કરીને ડીસા સહિતના પંથકોમાં તાજેતરના કમોસમી વરસાદને લઇ બટાકાના પાકને બહુ મોટાપાયે નુકસાન થયું છે. પાકની મોટાપાયે નુકસાનીને લઇ ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશાની લાગણી ફેલાઇ ગઇ છે અને સરકાર દ્વારા તાત્કાલિક વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. તીવ્ર બનેલું મહા વાવાઝોડુ ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યુંછે. આનાથી ખતરો અકબંધ રહ્યો છે.

(8:28 pm IST)