Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

ધ્રોલમાં યુવતિ ઉપર વારંવાર દુષ્‍કર્મ : અરવિંદ નકુમની અટકાયત

કોઇને જાણ કરે તો મારી નાખવાની ધમકી દીધી'તી : ડરના માર્યા યુવતિ ચુપચાપ રહી'તી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૪ : જામનગર જિલ્લાના ધ્રોળ માં રહેતી ૨૮ વર્ષ ની અપરણિત યુવતીએ ગઈકાલે મોડી રાત્રે પોતાના પર વારંવાર દુષ્‍કર્મ ગુજારી ધાક ધમકી આપવા અંગે ધ્રોલના જ એક શખ્‍સ સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે આરોપી ને અટકાયતમાં લઈ લીધો છે.

 આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતી અને ખેતીવાડી કામ સંભાળતી ૨૮ વર્ષની અપરણિત યુવતી કે જેણે ગઈકાલે મોડી રાત્રે ધ્રોલ પોલીસ મથકમાં આવીને પોતાની સાથે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર દુષ્‍કર્મ ગુજારી આ બનાવ અંગે કોઈને જાણ કરશે, તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોળ ના જ અરવિંદ નકુમ નામના શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ધ્રોલના વાડી વિસ્‍તારમાં રહેતી ૩૮ વર્ષની અપરણિત યુવતી કે જેની સાથે આરોપી આજથી ત્રણ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્‍યો હતો, અને સંબંધો રાખ્‍યા પછી તેણીની સાથે અવારનવાર દુષ્‍કર્મ ગુજાર્યે રાખતો હતો. ડરના માર્યા યુવતી ચૂપચાપ રહી હતી. પરંતુ આખરે ગઈ કાલે પોલીસ નો સંપર્ક સાધ્‍યો હતો, અને ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે દુષ્‍કર્મ અંગેનો ગુનો નોંધી આરોપી અરવિંદ નકુમની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે. જયારે યુવતીને તબીબી ચકાસણી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્‍પિટલમાં મોકલી આપી છે. આ બનાવને લઈને ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જાગી છે.

(12:19 pm IST)