Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જુનાગઢ લોહાણા મહાજન મહિલા પાંખ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ, સ્ત્રી સશકિતકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ

નવરાત્રિમાં આયોજકો, ખેલૈયાઓ અને પ્રેક્ષકો, તમામમાં માત્ર મહિલાઓને જ સ્થાન

જુનાગઢ,તા.૪:જુનાગઢમાં રદ્યુકુળ વાડી (જુની વાડી) ખાતે 'લોહાણા મહાજન મહિલા પાંખ' દ્વારા 'રદ્યુવંશી મહિલા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૯'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીની વિશેષતા એ છે કે, તેના આયોજકો, ખેલૈયાઓ અને પ્રેક્ષકો તમામ માત્ર મહિલાઓ જ છે. આ અંગે લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને જયેન્દ્રભાઈ જોબનપુત્રા એ જણાવ્યું હતું કે 'મહિલા સશકિતકરણનું સાચું અને શ્રેષ્ઠ ઉદાહરણ, રઘુવંશી સમાજ દ્વારા આ ગરબાના આયોજનમાં જોવા મળી રહ્યું છે.'

આ આયોજનની વિશેષતા એ છે કે બહેનોને મોંઘાદાટ ચણીયાચોળી નાં ડ્રેસ લેવા ન પડે તે માટે 'વેલ ડ્રેસ કોમ્પિટિશન' રાખવામાં જ આવી નથી. તેને બદલે માત્ર 'વેલ પ્લે' ને જ પ્રાધાન્ય આપીને ઈનામ આપવામાં આવે છે.

  ૮ થી ૧૫ વર્ષ, ૧૬ થી ૨૭ વર્ષ, ૨૮ થી ૪૦ વર્ષ , અને ૪૦ થી વધુ ઉંમરના બહેનો સાંજે ૫ થી ૭ દરમિયાન રાસની રમઝટ બોલાવે છે અને તમામ બહેનોને નિૅંશુલ્ક પ્રવેશ અપાય છે.  આમ, આ નવરાત્રિમાં માત્ર બહેનો જ હોય છે અને એક પણ પુરૂષને પ્રવેશ હોતો નથી. રઘુવંશી સમાજના મહિલાઓ દ્વારા થયેલી આ પહેલને દરેક સમાજના લોકોએ આવકારી છે અને ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન કોટેચા, મીનાબેન ચગ, પુજાબેન કારીયા, પ્રતિભાબેન નાગ્રેચા તેમજ મહિલા મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.

(1:11 pm IST)