Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પાટણવાવ ઓસમ પર્વત ઉપર પશુઓનું મારણ કરનાર દિપડી પાંજરામાં કેદ

હજુ ૪ થી પ દિપડી જંગલમાં હોવાની શકયતા

ધોરાજી-ઉપલેટા તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની લોકમુખે  ચર્ચાઇ રહ્યું હતું આ વર્ષે મેઘરાજાની અસીમકૃપાથી ખુબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસતા પાટણવાવના ઓસમ પર્વત ઉતર ઝરણાઓ શરૂ થઇ ગયેલા અને આસપાસના વિસ્તારમાં આ વર્ષે ખુબ જ મોટા પ્રમાણમાં પાણીની સગવડતા હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું.

આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા, ઘેટા, બકરા કે અન્ય નાના પશુઓનું મારણ કરનાર દીપડી આજરોજ પાટણવાવ ગામની બહાર માણાવદર રોડ પર આવેલા સહકારી ઓઇલ મીલ પાસે મોડી રાત્રે આ દીપડી પાંજરામાં આવી ગઇ હતી. જેમને ધોરાજીના આર.એફ.ઓ.પી.વી.મકવાણા તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણગીર લઇ જવામાં આવશે.

પાટણવાવ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે હજુ પણ આ વિસ્તારમાં દીપડાનો વસવાટ હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દિપડાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજથી બે માસ પહેલા પણ એક દીપડાનો મૃતદેહ આ ઓસમ ડુંગર પરથી મળી આવ્યો હતો.

(12:08 pm IST)