Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ભુજમાં યુવાનોના બે જૂથ વચ્ચે છરી, ગુપ્તિ સાથે ધડબડાટીઃબે ને ઇજા- જાહેર રોડ ઉપર મારામારીના પગલે દોડધામ અને ભય

ભુજ,તા.૪: ભુજના હોસ્પિટલ રોડ જેવા ધમધમતા રાજમાર્ગ ઉપર યુવાનોના બે જૂથ વચ્ચે કાલે રાત્રે હથિયારો વડે થયેલ મારામારીને કારણે લોકોમાં નાસભાગ સાથે ભય છવાયો હતો. આ મારમારીમાં બે યુવાનો પ્રશાંત ભટ્ટ અને પ્રિયરાજસિંહ ઝાલાને ગુપ્તિ તેમ જ છરી લાગતા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પોલીસે ૧૨ યુવાનો સામે રાયોટિંગનો ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી છે. બન્ને જૂથના યુવાનો પ્રિયરાજસિંહ ઝાલા અને હિરેન ડાભીએ સામસામે ફરિયાદ લખાવી છે તેમા ઓવરટેકના મુદ્દે થયેલ બોલાચાલી બાદ ફોન પર ધાકધમકી તેમ જ સમાધાન વાળી વાત કર્યા બાદ એકબીજા જૂથ ઉપર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. મૂળ અંટસ પ્રિયરાજસિંહ ઝાલા અને હિરેન ડાભી વચ્ચે હતી. પ્રિયરાજસિંહે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હિરેને તેને સમાધાન માટે બોલાવતાં બન્ને વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી.

આ સમયે પ્રિયરાજસિંહ સાથે પરેશ ભટ્ટ ઉપરાંત અન્ય સાત યુવાનો હતા તેમણે હિરેનને માર મારતા હિરેને પોતાના મિત્ર શોએબ સમેજાને બોલાવતાં ત્યાં આવેલા શોએબે ગુપ્તિ વડે અને હિરેને છરી વડે હુમલો કરતાં પ્રિયરાજસિંહ અને પરેશ બન્ને ગંભીર રીતે દ્યવાયા હતા. તે દરમ્યાન શોએબનો ભાઈ અનવર પણ આવતાં તેણે અન્ય બે યુવાનોને ધકબુશટનો માર માર્યો હતો.

સામે પક્ષે હિરેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કોમર્સ કોલેજ પાસે તે તેના મિત્ર ઓમકારસિંહ જાડેજા સાથે ઉભો હતો ત્યારે પ્રિયરાજસિંહે તેની સાથે ઝદ્યડો કરીને પછી સમાધાન માટે બોલાવી પોતાના સાત મિત્રો સાથે હુમલો કરી માર માર્યો હતો. ભુજમાં બે યુવાનોના જૂથે મચાવેલી ધડબડાટીને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે ગંભીરતાપૂર્વક પગલાં ભરીને ત્રણ યુવાનોની ધરપકડ કરી છે.

(12:06 pm IST)