Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ચોટીલાના જીવાપરના સરપંચના પતિ ભરત પરાલીયાની હત્યા કરનારાની શોધખોળ

મોબાઇલ સહિતના પુરવાઓ એકત્ર કર્યાઃ પોલીસ તપાસનો ધમધમાટ

ચોટીલા તા.૦૪: ચોટીલા પંથકમાં ગુનેગારો ઉપર પોલીસની પકડ ઢીલી પડતી હોય તેમ ગઈ કાલે જીવાપર ગામનાં મહિલા સરપંચના પતિની તેના જ કૌટુંબિક ભાઇએ બંદુકનો ભડાકો કરી સરા જાહેર હત્યા નિપજાવવાનો બનાવ બનતા પંથકમાં હાહાકાર સાથે ચકચાર ફેલાઇ છે.

યાત્રાધામ ચોટીલા તાલુકાનાં આણંદપુર વિસ્તારમાં છેવાડાનું જીવાપર ગામ આવેલ છે.આશરે ૧૨૦૦ માણસોની વસ્તી છે ચતુર્થ નવરાત્રિનાં ગામનાં રામાપીરનાં મંદિર પાસેના ચોકમાં નવરાત્રીની નાટીકા ભજવાઇ રહેલ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં આરોપી રાજેશ ઉર્ફે રાજુ ગોવિંદભાઈ પરાલીયા હાથમાં દેશી બનાવટની બંદુક સાથે આવી કોઇ કાંઇ સમજે તે પહેલાજ મહિલા સરપંચ રેખાબેનનાં પતિ અને યુવા આગેવાન પરચુરણ ધંધાના દુકાનદાર ભરતભાઈ ભનુભાઇ પરાલીયા ઉપર સરાજાહેરમાં ફાયરીંગ કરી હત્યા નિપજાવી નાસી છુટેલ આરોપી ૨૪ કલાક વિતવા છતા તેના સગડ મળેલ નથી.

ચાલુ ગરબીએ લોકોની હાજરી વચ્ચે સરા જાહેર હત્યાનો બનાવ બનતા લોકોમાં સ્તબ્ધતા સાથે ચકચાર છવાયેલ છે સંદર્ભે સ્થાનિકોમાં હત્યા પાછળ કોઇ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવેલ નથી પરંતુ ગરબીમાં લાંબા પગ કરી આરોપી બેસેલ જેણે સરખી રીતે બેસવાનું કહેતા મામલો બિચક્યો હોવાની તેમજ આરોપી ભૂતકાળમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ અને આવીજ કોઇ બાબતે ભોગબનનારને અગાઉ આવી કોઇ બાબતે મનદુઃખ હોવાની ચર્ચા ઉપર  હાલ પોલીસ તપાસ ચલાવી રહેલ છે.

ઘટના બાદ સ્થળ ઉપર થી પોલીસને છરા ઘુસેલ બળી ગયા જેવી હાલતમાં એક મોબાઇલ પોલીસને મળી આવેલ છે.

આરોપી દારૂના ધંધા સાથે તેમજ ચોરી જેવા ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલ છે તેથી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે હત્યા ને ૨૪ કલાક વિતવા છતા ગુનેગારનાં કોઇ સગડ મળેલ નથી હત્યા બાદ જાણે હવામાં ઓગળી ગયો હોય તેવુ જણાય છે

સામાન્ય બોલચાલ કે અગાઉનાં મનદુઃખમાં બનાવ બનેલ છે કે અન્ય કોઇ બાબત કારણભૂત છે તે સઘન તપાસની બાબત છે ત્યારે ગેર કાયદેસર હથિયાર ક્યાંથી આવ્યુ તે પણ તપાસ માંગે છે  પી.એસ.આઇ પી.બી. મકવણાએ જણાવેલ કે આરોપી અને ભોગ બનનાર વચ્ચે કંઇ મનદુઃખ કે બોલાચાલી હતી તે જાણવા વિધી બાદ  સ્થાનિકો અને પરિવારની વિશેષ પુછપરછ કરાશે. હાલ આરોપીને પકડવા જુદી જુદી ટીમ બનાવી વિવિધ દીશામાં તપાસ ચાલી રહેલ છે.

(11:33 am IST)