Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

લોધીકા પંથકમાં અતિવૃષ્ટિથી ખેતીના પાકને ભારે નુકશાન : સર્વે કરી સહાય ચૂકવવા રજુઆત

લોધીકા, તા. ૪ : લોધીકા પંથકમાં સતત વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ સજાયેલ છે. ખેતીવાડી પાકોમાં ભારે નુકશાન થતા ખેડૂત વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક સર્વે કરી સહાય ચૂકવવા માગણી સાથે રજૂઆત કરી છે.

રજુઆત મુજબ સતત ત્રણ વર્ષ થયા અપૂરતા વરસાદને લઇ આ પંથકમાં પાક નિષ્ફળ જવાથી અને વિમો પણ સમયસર ન મળવાને પરિણામે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયેલ છે. આ વર્ષે પણ શરૂઆતમાં થોડા વરસાદને લઇ વાવેતર કરી દીધા બાદ વરસાખ ખેંચાતા પાક નિષ્ફળ ગયેલ. ફરીથી વાવેતર કર્યા બાદ તાજેતરના ભારે અને સતત વરસાદને લઇ મગફળી, કપાસ, કઠોળના પાકને ભારે નુકશાન થયેલ છે. કપાસના ઉગેલા જીંડવા ભીના થઇ ખરી પડયા છે. તૈયાર જીંડવા નિષ્ફળ ગયા છે. મગફળીમાં ઉગાવો થઇ ગયેલ છે. તલ-અડદ-મગ જેવા પાકો નાશ પામેલ છે. આમ અતિવૃષ્ટિને પરિણામે પાક અને જમીન ધોવાઇ ગયેલ છે. પરિણામે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી અપૂરતા વરસાદને કારણે ખેતીમાં ખોટ આવેલ છે અને આ વખતે ભારે વરસાદને લઇ પાક નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોની હાલત દયનિય બની ગયેલ છે.

ખેડૂતોને સહાય ચૂકવવા ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, વિનુભાઇ ઘેટીયા (લોધીકા), આંબાભાઇ રાખૈયા (સીંગણવા) સબળસિંહ જાડેજા (પીપરડી), રતિલાલ ખુંટ (જેતાકુબા)સહિત કિશાનોએ રજૂઆત કરેલ છે.

(9:59 am IST)