Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જામનગરમાં મશાલ રાસમાં યુવાનો દ્વારા આગના ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે રાસ રમાય છે

જામનગર :ગરબીમાં ખેલૈયાઓ અલગ અલગ સ્ટાઈલમાં ગરબા રમતા હોય છે. પણ કેટલીક પરંપરાગત સ્ટાઈલ એવી છે જેને આજે પણ લોકોએ જાળવી રાખી છે. જામનગરમાં એક એવી ગરબી છે કે, અહીં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મસાલા રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ અદભૂત હોય છે. લોકોમાં આ રાસનું ખાસ આકર્ષણ છે, જેથી આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ છે.

જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. ગરબીના આયોજકના મતે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લાં સાત દાયકાથી ગરબીનું આયોજન કરે છે. આ પ્રકારના આયોજન પાછળનો તેનો હેતું પ્રાચીન પરંપરાને જાળવી રાખવાનો છે.

મંડળના સંચાલક મિતેશ કપુરીયા કહે છે કે, દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ અહીં ખેલૈયાઓ વર્ષોથી રમે છે. આ રાસને નિહાળવા માટે લોકો અહીં દૂર દૂરથી આવે છે. તો બીજી તરફ રાસની તૈયારી માટે 75 જેટલા ખેલૈયાઓ પણ દોઢ થી બે માસ સુધી સતત પરસેવો પાડે છે અને વિવિધ સ્ટેપ્સ સાથેના આ રાસ તૈયાર કરે છે. મશાલ રાસ દરમિયાન ખેલૈયાઓ હાથમાં સળગતી મશાલ લઈને તો રમે જ છે. પરંતુ, રાસના અંતમાં ખેલૈયાઓ જ્યાં રમતા હોય છે ત્યાં સળગતા કપાસીયા નાંખવામા આવે છે. તેના પર ખુલ્લા પગે રમી માતાજીમાં અનેરી આસ્થાનુ ઉદાહરણ પૂરું પાડે છે.

આજે જ્યારે શેરી ગરબીઓ લુપ્ત થઈ રહી છે. પરંપરાગત વાંજિત્રોનું સ્થાન ડીજેએ લઈ લીધું છે. ત્યારે પટેલ યુવક ગરબી મંડળ એવું છે કે, અહીં આજે પણ હારમોનિયમ, ઢોલક, તબલાં અને શરણાઈની મદદથી ગરબા ગાવામા આવે છે. અહીં રમતા 75 જેટલા યુવાનો એવા છે કે, જેઓ વર્ષોથી અર્વાચીન ગરબીમાં રમવા જવાને બદલે અહીંજ રમવાનું પસંદ કરે છે.

(10:02 am IST)
  • જામકંડોરણામાં વરસાદ પડયોઃ કોટડા સાંગાણીના ગામોમાં મોડી સાંજે વરસાદ પડયોઃ ગીર સોમનાથમા વરસાદ યથાવતઃ અમરેલી જીલ્લામાં વરસાદી માહોલઃ દેવળકી ગામમાં ધોધમાર વરસાદ પડયોઃ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં વરસાદ: બગસરામાં પણ ધીમીધારે વરસાદી પડ્યો હતો access_time 10:46 pm IST

  • સંજય નિરૂપમ કાળઝાળઃ જે રીતે પક્ષમાં ટિકીટો અપાય રહી છે તે જોતા મોટાભાગનાની ડીપોઝીટ જપ્ત થશે : સોનિયાના લોકો રાહુલ ગાંધી વિરૂધ્ધ કરી રહ્યા છે ષડયંત્રઃ છોડી દઇશ કોંગ્રેસઃ હું પક્ષ માટે પ્રચાર નહિ કરૂ access_time 3:59 pm IST

  • બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મુલાકાતે : આવતીકાલ શનિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત : બંને દેશો વચ્ચે વ્યવસાય વધારવા મંત્રણા થશે access_time 1:01 pm IST