Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

પી.આઇ. વાઢીયાની શનિવાર સુધીમાં બદલી ન કરાય તો વાંકાનેર અચોક્કસ મુદ્દત માટે બંધ : મોરબીમાં આવેદન

જીતુભાઇ સોમાણીનું આંદોલન સાતમાં દિવસે યથાવત : જળનો પણ ત્યાગ કરવાની ચિમકી

વાંકાનેર - મોરબી તા. ૪ : વાંકાનેર સીટી પીઆઈ વાઢીયા અને ભાજપ આગેવાન સાથે થયેલી બોલાચાલી બાદ મામલો બીચકયો છે અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી ઉપવાસ કરી રહ્યા છે. દરમિયાન મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પીઆઈની બદલીની માંગ કરવામાં આવી છે અન્યથા વાંકાનેર બંધની ચીમકી ઉચ્ચારી છે. આ માટે શનિવાર સુધીની મહેતલ આપવામાં આવી છે અને જીતુભાઇ સોમાણી દ્વારા જળનો ત્યાગ કરવાની પણ ચિમકી અપાઇ છે. આજે સાતમા દિવસે ઉપવાસ યથાવત છે.

વાંકાનેરમાં પદયાત્રીઓ માટે ફાળો એકત્ર કરી રહેલા યુવાનો સાથે પોલીસને થયેલી બોલાચાલી બાદ ભાજપ આગેવાન સાથે બોલાચાલી થઇ હતી અને જીતુભાઈ સોમાણી તા. ૨૮ થી ઉપવાસ કરી રહ્યા છે અને હાલ માત્ર પાણી પીને ઉપવાસ ચલાવી રહયા છે ત્યારે આજે ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેર ચેમ્બર ઓફ કોમાર્સ, વ્યાપારી મંડળો વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે વાંકાનેર સીટી પીઆઈ હિંદુ સમાજ વિરોધી નીતિ ધરાવે છે જેથી હિંદુ સમાજમાં અસંતોષની લાગણી છવાઈ છે વાંકાનેરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા, સંત નાગાબાવા મેલો, ગણપતિ મહોત્સવ સહિતના તહેવારોમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ના હતી

નવરાત્રીમાં આશાપુરા માતાજીના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે અને નવરાત્રીમાં ગરબી માટે ફાળો એકત્રિત કરવા યુવક મંડળના યુવાનો સાથે પીઆઈ વાઢીયાએ તુમારશાહી વલણ દાખવ્યું છે. આવેદનમાં એમ પણ જણાવ્યું છે કે હિંદુ તહેવારોમાં પોલીસ અને મામલતદારની મંજુરી ફરજીયાત લેવામાં આવે છે ત્યારે વિવિધ સંસ્થાના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવીને હિંદુ વિરોધી માનસ ધરાવનાર પીઆઈની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે અને તાકીદે બદલી ના કરાય તો અચોક્કસ મુદત સુધી વાંકાનેર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

(3:41 pm IST)