Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

માંગરોળનાં આરેણાની પરિણીતા પર મોઢે મુંગો દઇ નરાધમનું દુષ્કર્મ

પતિ, દિયર અને સંતાનો મારી નાંખવાની ધમકી પણ આપી

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ :  માંગરોળના આરેણાની એક પરિણીતા પર તેના જ ગામના એક નરાધમે મોઢે મુંગો દઇ દુષ્કર્મ આચરી પતિ, પિયર અને સંતાનો મારી નાખવાની ધમકી આપતા મહિલા ડરી ગઇ હતી.

જો કે અત્યારે હિંમત કરીને ગઇકાલે રાત્રે મહિલાએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન હેઠળના આરેણા ગામે પરિવાર સાથે રહેેતી એક ૩૦ વર્ષીય પરિણીતા ગત તા.ર૧ના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના મકાનનાં બાથરૂમમાં લઘુશંકા કરવા ગયેલ.

આ વખતે આરેણા ગામનો કાંતિ રાજા મકવાણા સંતાયો હતો અને મહિલા બાથરૂમના દરવાજા પાસે પહોંચતા બળજબરીથી તેણીને બાથરૂમમાં ખેંચી અને તેના મોઢે મુંગો આપી બાદમાં મહિલા ઉપર બળાત્કાર ગુર્જાયો હતો.

આ પછી ભોગ બનનાર પરિણીતાને તેના પતિ, દિયર અને સંતાનોને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી કાંતિ મકવાણા નાસી ગયો હતો.

નરાધમની ધમકીથી ડરી જતા મહિલાએ ફરીયાદ કરેલ નહી. પરંતુ આખરે હિંમત કરીને ગત રાત્રે ફરિયાદ કરતા માંગરોળ મરીનના પીઆઇ એન.આઇ.રાઠોડે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)