Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડરના કેસમાં પકડાયેલા આરોપીને જામીન પર છોડવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૪ :.. મોરબીના ચકચારી ત્રીપલ મર્ડર કેસના આરોપીને જામીન મુકત કરતા ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

અત્રે સને ર૦૧૮ માં મોરબી પંથકમાં હિન્દુ-મુસ્લીમ પક્ષકારો વચ્ચેનાં ખેતી જમીન વિવાદમાં એક સાથે ત્રણ ચકચારી મર્ડર થઇ ગયેલ હતાં.

ફરીયાદીની વિગતો મુજબ ફરીયાદી વસીમ મહેબુભાઇ પઠાણ ઠે. મકરાણીવાસ, રામઘાટ પાસે, મોરબીનાએ મોરબી પો. સ્ટે.માં ઇ. પી. કો. કલમ-૩૦ર, ૧૪૩, ૧૪૭ થી ૧૪૯, ૩૪ મુજબ ભરત ડાભી, જયંતી નારણભાઇ, અશ્વીન જીવરાજભાઇ, ભરત જીવરાજભાઇ, ધનજીભાઇ મનસુખભાઇ, કાનજીભાઇ મનસુખભાઇ, શીવાભાઇ રામજીભાઇ, મનસુખભાઇ રામજીભાઇ, જીવરાજભાઇ રામજીભાઇ, પ્રવિણ શીવાભાઇ, કિશોર શીવાભાઇ ડાભી, સંજય નારણભાઇ ડાભી તમામ વજેપર વાડી વિસ્તાર, ગામ વજેપર, તા. જી. મોરબીના સામે તા. ૧૩-૮-૧૮ ના રોજ ફરીયાદ નોંધાવેલ.

જે તે ફરીયાદના કથન મુજબ ફરીયાદીને તા. ૧ર-૮-૧૮ ના રોજ રાત્રે સાડા અગીયાર વાગે તેના કાકા દીલાવરખાનના મોબાઇલમાં ફોન આવેલ અને તેના કાકાએ ફરીયાદીને જણાવેલ કે, તુ જયારે આવ, મારી ઉપર શીવાભાઇ રામભાઇ તેના ભાઇઓ, છોકરાઓએ હૂમલો કરેલ છે. જેથી ફરીયાદી તેનું મોટર સાયકલ લઇ તેના કાકાની વાડી કે જે વજેપરની સીમમાં આવેલ છે ત્યાં પહોંચેલ અને જોયેલ કે, તેના કાકા દિલાવરખાન, તેના પુત્ર અફઝલ તથા મોમીન ઉપર આરોપીઓ લાકડી, ધોકા, ટોમી, કુહાડી, છરી, તલવર જેવા જીવલેણ હથીયારથી આડેધડ મારતા હતાં. અને ફરીયાદીને જોઇ અમુક હથીયાર છોડી, અમુક હથીયાર સાથે લઇ જઇ ૬ મોટર સાયકલમાં ભાગી ગયેલ. ભોગ બનનારને સરકારી દવાખાને સારવાર માટે લઇ જતા ત્રણેય ભોગ બનનાર મરણ ગયાનું જાહેર કરવામાં આવેલ.

ઉપરોકત બનાવમાં છેલ્લા બે વર્ષથી બારેય આરોપીઓ જેલ હવાલે છે. અને તેઓને કયારેય કોઇ કોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ નથી.

ઉપરોકત ફરીયાદના ૧ર આરોપીઓ પૈકી જીવરાજભાઇ રામજીભાઇ ડાભી (સતવારા)એ મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મળવા અરજી કરેલ. જે સેશન્સ કોર્ટએ નામંજૂર કરેલ. જેથી જીવરાજભાઇ ડાભીએ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠને રોકી ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરેલ. જેમાં અરજદાર તરફે એડવોકેટ બ્રિજ શેઠની રજૂઆત ધ્યાને લઇ, ગુજરાત હાઇકોર્ટએ અરજદાર જીવરાજભાઇ ડાભીને જામીન મુકત કરતા ઠરાવેલ છે કે, સુપ્રિમ કોર્ટના ચુકાદામાં ઠરાવેલ સિધ્ધાંતોને ધ્યાને લેતા, જામીન આપવા માટેનો યોગ્ય કેસ છે. જેથી અરજદારને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો આદેશ કરવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર આરોપી જીવરાજભાઇ રામજીભાઇ ડાભી વતી ગુજરાત હાઇકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ અને રાજકોટના એડવોકેટ ભાવેશભાઇ બાંભવા બ્રીફીંગ એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(11:44 am IST)