Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભચાઉના કોરોનાગ્રસ્ત વૃધ્ધાને દાખલ ન કરાતા મોત

કચ્છના કોંગ્રેસ પ્રદેશ મંત્રી ભરત ઠક્કરનો આક્ષેપઃ કચ્છમાં કોરોનાનો હાહાકારઃ કુલ ૧૩૩૦માંથી માત્ર ઓગષ્ટ મહિનામાં જ રેકર્ડ બ્રેક ૭૬૧ જેટલા ડબલ કેસઃ દર્દીઓના નામ ન જાહેર કરાતાં લોકોમાં લાપરવાહી વધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: કચ્છમાં એક બાજુ કોરોનાનો હાહાકાર અને બીજી બાજુ તંત્ર સામે નકારાત્મક વહીવટના આક્ષેપો સમાંતર ચાલી રહ્યા છે.

હાહાકાર મચાવતા કોરોનાએ ભુજના નિવૃત શિક્ષક જીતેન્દ્ર પાલીવાડનો ભોગ લેતાં મૃત્યુ આંક વધીને બિનસત્તાવાર રીતે ૭૦ થયો છે. જયારે સરકારી ચોપડે હજીયે ૪૫ મોત બોલે છે.

જોકે, ૧૭ નવા કેસ સાથે આ સરકારી આંકડાઓ જોઈએ તો અત્યારે ૨૩૧ કેસ એકિટવ છે, ૧૦૬૧ ને રજા મળી ચુકી છે, તે બન્નેનો સરવાળો ૧૨૯૨ થાય છે, જે કુલ કેસ ૧૩૬૨ માંથી બાદ કરીએ તો ૭૦ દર્દીઓના મોત નિપજયા હોવાનું જાણી શકાય છે.

જોકે, કચ્છમાં આંકડાની લુકાછુપી ઉપરાંત સારવારમાં બેદરકારીના ઉઠતા આક્ષેપ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ મંત્રી ભરત ઠક્કરે વોન્ધ ગામના પટેલ વૃદ્ઘા લક્ષ્મીબેન કરસન ગોઠીનું સારવાર ન અપાતાં તંત્રની ઉપેક્ષાથી મોત નીપજયું હોવાનો આક્ષેપ કર્યો છે.

મુખ્યમંત્રીને આ અંગે લખેલા પત્રમાં શ્રી ઠક્કરે મૃતક પટેલ વૃદ્ઘાને ભુજની કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરની સુવિધા ન હોવાનું જણાવીને દાખલ ન કરાયા હોવાની, વળી તે વૃદ્ઘાને ગાંધીધામ અને ભચાઉની સરકારી હોસ્પિટલમાં પણ પૂરતી સારવાર ન અપાતાં તેમનું મોત નીપજયું હોવાનું જણાવી તપાસની માંગ કરી છે. છેલ્લા એક મહિનામાં જ કચ્છમાં રેકર્ડ બ્રેક ૭૬૧ કેસ નોંધાયા છે, ૧ લી ઓગસ્ટના ૫૫૦ કેસ હતા જયારે ૩૧ ઓગષ્ટના ૧૩૧૧ કેસ છે. અગાઉના ચાર મહિના કરતા એક જ મહિનામાં ડબલ થી વધુ કેસ નોંધાયા છે.

ભુજ પાલિકાના એક કર્મીને કોરોના પોઝિટિવ આવતાં અન્ય કર્મીઓમાં ગભરાટ ફેલાયો છે.

કચ્છમાં કોરોનાનો હાહાકાર વધ્યો છે, ત્યારે ગાંધીધામ, મુન્દ્રાની કોવિડ હોસ્પિટલમાં જગ્યા નથી. ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ નથી. પોઝિટિવ દર્દીઓને ઘેર સારવારની સલાહ અપાય છે. પણ,

પોઝિટિવ દર્દીના એરિયામાં કન્ટેનમેન્ટમાં અપાયેલી છૂટછાટ અને પોલીસ પહેરો ઉઠાવી લેવાયા બાદ દર્દીઓ બેદરકારી દર્શાવી ખુલ્લેઆમ ફરતા હોઈ સંક્રમણ વધ્યું છે. વળી, યાદીમાં દર્દીઓના નામ જાહેર ન કરાતાં લોકોમાં લાપરવાહી વધી છે.

(11:25 am IST)