Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દેતડીયા ગામે ફાયરીંગ કરીને થયેલ હત્યાના કેસમાં પકડાયેલ સરપંચની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૩: દેતડીયા ગામના સરપંચ વિજય દડુભાઇ વાળાએ તેના જ કૌટુંબીક ભાઇ ભરતભાઇ બીચ્છુભાઇ વાળાને ફાયરીંગ કરી ધોળે દિવસે મોતને ઘાટ ઉતારી દીધેલ. આરોપી વિજયભાઇ વાળાએ ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા માટે અરજી કરેલ જે ગોંડલની સેશન્સ કોર્ટએ ફગાવી દીધેલ હતી.

આ કેસની હકીકત એવી છે કે, ગુજરનાર ભરતભાઇ વાળા તેમના પિતાશ્રી પાસેથી ભાયુ ભાગમાં જમીન મળેલી જે બધા ભાઇઓએ આ જમીન આરોપી વિજયભાઇ વાળાને વેચાણ કરી દસ્તાવેજ કરી દીધેલ અને દસ્તાવેજ વખતે વાત થયેલ કે આ જમીનમાં જે વધારાની જમીન નીકળે તે પાછી આપવી પડશે અને આ જમીનમાં આઠ વીઘા જમીન બીજી વધારાની નીકળેલ જેથી તે જમીન ભરતભાઇ તથા તેના ભાઇઓ આરોપી પાસે માંગતા પણ આરોપીએ વધારાની જમીન પાછી આપતા નહીં અને જે જમીન બાબતે વીવાદ ચાલતો હોય જેનો ખાર રાખી આરોપીએ તારીખ ર૧/૭/ર૦ર૦ના રોજ ભરતભાઇ પર ફાયરીંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધેલ અને તે સંદર્ભેની પોલીસ ફરિયાદ ગુજરનાર ભરતભાઇના પુત્ર જયદીપભાઇએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦ર તથા આર્મ્સ એકટ હેઠળ નોંધાવેલ હતી.

પોલીસ ફરિયાદ થતા પોલીસ અધિકારીએ આરોપીની તારીખ ર૩-૭-ર૦ર૦ના રોજ ધરપકડ કરેલ અને ત્યારથી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં છે. આરોપી સામે ચાર્જશીટ દાખલ થતા આરોપીએ ગોંડલના સેશન્સ જજ સમક્ષ ફો.પ.અ.નં. ૪૦/ર૦ર૧ થી જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરેલ જે તે સમયના પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ ગોંડલના સેશન્સ જજ સાહેબે જામીન અરજી નામંજુર કરેલ. આરોપીએ ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફો.પ.અ. નંબર ૪ર૯૭/ર૦ર૧ થી જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે અરજી આરોપીએ વીથડ્રો કરેલ હતી.

આરોપીના એડવોકેટની દલીલ તથા સરકારી વકીલે કરેલ દલીલ તેમજ મુળ ફરીયાદીના એડવોકેટ દ્વારા રજુ કરવામાં આવેલ જામીન અરજી સામેના લેખીત વાંધાઓ ધ્યાને લઇ ગોંડલ સેશન્સ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવેલ હતી કે આ કામના આરોપી ઇ.પી.કો. કલમ-૩૦ર તથા આર્મ્સ એકટ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોય તેમજ આરોપીના કુટુંબમાં અન્ય વ્યકિત હૈયાત છે જેથી ખેતી વાડી માટે તથા તેને લગતી જરૂરી કાર્યવાહી આરોપીના ઘરના વ્યકિત યોગ્ય રીતે કરી શકે તેમ છે જેથી આરોપીએ જણાવેલ કારણ તેવા સંજોગોમાં યોગ્ય જણાતું ન હોય જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કામે મુળ ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કુષ્ણ ગોર, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ તથા સરકાર પક્ષે પબ્લીક પ્રોસીકયુટર રોકાયેલ હતા.

(11:36 am IST)