Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભાવનગરમાં ક્રિષ્‍ના હોસ્‍પિટલમાં કોરોના દર્દીના નામે રેમડેસિવર ઇન્જેકશન લાવીને અન્ય દર્દીઓને આપી દેવાતા હોબાળોઃ તપાસની માંગ

ભાવનગર: ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોના દર્દીના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લાવી અન્ય દર્દીઓને આપી દેવામાં આવ્યા હતા. જ્યારે ખરેખર જે દર્દીના નામે ઇન્જેક્શન લાવ્યા હતા, તે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી ત્યારે તેને ઇન્જેક્શન ન મળતાં તેનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે પરિવારજનોએ કર્યો છે. ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં આ મામલે હોબાળો મચાવી દીધો હતો. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા કમિટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવેલ ચંદ્રકાંત શાહ નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સંબંધી પાસેથી હોસ્પિટલના પ્રકાશ કટારીયા નામના ડોક્ટરે આધાર કાર્ડ લઇ અને દર્દીના નામે ભાવનગરની બીમ્સ હોસ્પિટલમાંથી રેમડેસિવીરના 6 ઇન્જેક્શનો જે કોરોનાની સારવારમાં ક્રીટીકલ કન્ડિશનમાં દર્દીને આપવામાં આવે છે, તે ઇન્જેક્શન મેડિકલ ઓફિસર ખોટી સહી કરી અને દર્દીના સગાની જાણ બહાર મેળવી અને અન્ય દર્દીને આપી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ જ્યારે ચંદ્રકાંત શાહની તબિયત લથડતા તેમને ઇન્જેક્શનની જરૂર પડતાં તેમના સગા સંબંધીઓને રેમડેસિવીર ઇન્જેક્શન લાવવા કહેવામાં આવ્યું હતું. જેને લેવા આધારકાર્ડ લઈને લેવા જતાં પરિવારને સમગ્ર હકીકતની જાણ થઈ કે, તેમના નામે ઇન્જેક્શન ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયા છે. ત્યારે ચંદ્રકાંત શાહનું અવસાન થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલ દ્વારા તેમના નામે ઇન્જેક્શન લઇ અન્ય દર્દીઓને ઉંચા ભાવે વેચી દીધા છે. અને જ્યારે ખરેખર તેમને ઇન્જેક્શન જરૂર પડી ત્યારે ઇન્જેક્શન ન મળતાં તેમનું અવસાન થયું છે.

જ્યારે આ બાબતે ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોતાનો બચાવ કરતા તેમને સ્વીકાર્યું હતું કે, અન્ય દર્દીના નામે તેમણે ઇન્જેક્શન મંગાવ્યા છે. પરંતુ અન્ય એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેઓ શંકાસ્પદ કોરોના દર્દી તરીકે દાખલ થયા હતા. તેમની હાલત ખરાબ થઈ હતી, અને તેમનો રિપોર્ટ હજુ આવ્યો ન હતો. ત્યારે તેમના નામે ઇન્જેક્શન મળે તેમ ન હોઈ તેઓએ ચંદ્રકાંતભાઈના નામે ઇન્જેક્શન લખી આપેલ તે દર્દીના સગાઓ દ્વારા પેમેન્ટ કરીને લાવવામાં આવ્યા હતા, અને જ્યારે બીજા દિવસે ચંદ્રકાંતભાઈની તબિયત લથડી ત્યારે તેમના માટે પણ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હતી. પરંતુ તેમને ઇન્જેક્શન આપતા પહેલા જ તેમનું મોત થયું હતું.

જો કે, આ બાબતે તંત્રને પૂછતાં કમિશનરે જણાવ્યું હતું કે, અમને હજુ કોઈ લેખિત ફરિયાદ મળી નથી. પરંતુ મીડિયાના માધ્યમથી જાન થતા અમારા દ્વારા આ બાબતે તાકીદે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે કાઈ તથ્ય હશે તે બહાર લાવવામાં આવશે.

કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થતા હોસ્પિટલ વિરુદ્ધ અને તેની તરફેણમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે સાચી હકીકત તો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલ તો આ મામલે હોસ્પિટલના મેડિકલ ઓફિસર અમિત પટેલ દ્વારા પોતાની ખોટી સહી કરી મેળવાયેલ ઇન્જેક્શન બાબત પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

(4:57 pm IST)