Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કાલે કડવા પાટીદાર પરિવારો દ્વારા ઘરે- ઘરે દિવા પ્રગટાવાશે- પૂજન

અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસના પ્રસંગને વધાવશે : ૯ થી ૧૬ ઓગષ્ટ સુધી ઉમિયાધામ સિદસર મંદિર બંધ રહેશેઃ જેરામભાઈ વાંસજળીયા- મૌલેશભાઈ ઉકાણી

રાજકોટ,તા.૪: કડવા પાટીદારનું આસ્થાનું ધામ એટલે વેણું નદીના કાંઠે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું 'ઉમિયાધામ' સિદસર સમગ્ર દેશ જયારે આવતીકાલે ૫ ઓગષ્ટના રોજ શ્રી રામ જન્મભૂમી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઐતિહાસિક ઘડીને વધાવવા આતુર છે. ત્યારે કડવા પાટીદાર પરિવારોને અવધપતિ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામના રામજન્મભૂમી ખાતે મંદિરના શિલાન્યાસ પ્રસંગને હર્ષોલ્લાસથી વધાવવા ઉમિયા ધામ સિદસર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આવતીકાલ ૫ ઓગષ્ટના રોજ શ્રી રામ જન્મભૂમી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને દેશ- વિદેશમાં વસતા સમગ્ર કડવા પાટીદાર ઘરે ઘરે દિપ પ્રગટાવી પૂજન કરી આ ઐતિહાસિક ઘડીને હર્ષોલ્લાસથી વધાવવા સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તેમજ મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ દ્વારા સમગ્ર ભાવિકોને અપીલ કરવામાં આવી છે.

ઉમિયા ધામ સિદસર ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લ્હાવો લે છે. પરંતુ પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રીની ગાઈડ લાઈન્સનું ચુસ્ત પણે અમલ કરી જન મેદની એકઠી ન થાય સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ ન થાય તે માટે જનહિતને ધ્યાને રાખી સંસ્થાના હોદ્દેદારો દ્વારા તા.૯ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ ઉમિયાધામ સિદસર મંદિર બંધ રહેશે તેમ જણાવાયું છે.

(1:00 pm IST)