Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કાંગશીયાળીની જમીન મુખ્ય સૂત્રધાર માલદે ગઢવી સહિત ૩એ ફકત ૧ર લાખમાં વેચી નાંખી'તી

કિંમતી સરકારી જમીન વેચી નાંખવાના કૌભાંડમાં પકડાયેલ છ શખ્સો બે દિવસના રીમાન્ડ ઉપર : ભરત ગમારા અને રાજેન્દ્રસિંહે ૧ર લાખમાં લીધેલ સરકારી ખરાબો વિભા ભરવાડને ર૪ લાખમાં વેચ્યો'તો ! મુખ્ય સુત્રધાર ભાનુબેન અને મનીષની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ છ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : કમલેશ વાસાણી શાપર-વેરાવળ) 

રાજકોટ, તા. ૪ : ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર કાંગશીયાળી ગામની કિંમતી સરકારી જમીન વેંચી નાંખવાના કૌભાંડમાં પકડાયેલ છ શખ્સોને કોર્ટે બે દિવસના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.  પકડાયેલ શખ્સોની પૂછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.

મળતી વિગતો મુજબ ગોંડલ-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાંગશીયાળી ગામની સરકારી ખરાબાની કિંમતી જમીન ખોટા નોટરાઇઝ સોગંદનામા ઉભા કરી માલીકી હક ઉભા કરી વેચી નાંખવાના કારસ્તાન અંગે લોધીકા મામલતદારો શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરતા શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં જ આ કૌભાંડમાં સામેલ માલદે કરશનભાઇ ગઢવી રહે. કોઠારીયા સોલવન્ટ નાગબાઇપરા, વિભા ઘુસાભાઇ ભરવાડ રે. ખાંભા તા. લોધીકા, ઓસમાણ સુમારભાઇ કુકડ રે. કાલમેઘડા તા. કાલાવડ, રાજેન્દ્રસિંહ ગજુભા વાળા રે. તિરૂપતી સોસાયટી શેરી નં. ૭/૯ કોઠારીયા રોડ રાજકોટ મુકેશ રમણીકભાઇ ડોબરીયા, રોનક સોફાસેટ કાંગશીયાળી ગામ રે. રાજપથ સિલ્વર સીટીએ બ્લોક એ/૪૦૧ કાંગશીયાળી તથા ભરત મૈયાભાઇ ભરવાડ રે. ઉદયનગર-૧ શેરી નં. રપ મવડી પ્લોટ રાજકોટની ધરપકડ કરી હતી.

પકડાયેલ ઉકત છ શખ્સોને પોલીસે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાંગશીયાળીની કિંમતી સરકારી જમીન વેચી નાખવાના કૌભાંડના મુખ્ય સુત્રધાર માલદે કરશનભાઇ ગઢવી, ભાનુબેન વિઠ્ઠલભાઇ પાટડીયા તથા મનીષ બટુકભાઇ પરમાર છે. આ કૌંભાડી ત્રિપુટીએ સરકારી જમીનમાં ખોટા માલીકી હક દર્શાવતા ખોટા નોટરાઇઝ સોગંદનામા બનાવી આ સરકારી જમીન ભરત ગમારા અને રાજેન્દ્રસિંહ વાળાને ૧ર લાખમાં રૂપિયામાં વેચી નાંખી હતી. ત્યારબાદ ભરત અને રાજેન્દ્રસિંહે ૧ર લાખમાં લીધેલી આ સરકારી જમીન વિભા ભરવાડને ર૪ લાખ રૂપિયામાં વેચી નાંખી હતી અને વિભા ભરવાડે આ જમીન ઉંચા ભાવે અન્યોને વેંચી નાંખ્યાનું ખુલ્યું છે.

આ કૌભાંડમાં સામેલ મુખ્ય સુત્રધાર ભાનુબેન વિઠ્ઠલભાઇ પાટડીયા તથા મનીષ બટુકભાઇ પરમારની શોધખોળ હાથ ધરાઇ છે. રીમાન્ડ ઉપર રહેલ છએય શખ્સોની વધુ પુછતાછ હાથ ધરાઇ છે. તેમજ આ કૌભાંડ ટોળકી સાથે અન્ય કોઇ મોટા ભુમાફિયાનો દોરીસંચાર છે કે કેમ ? તે મુદ્દે તપાસનો ધરધમાટ શરૂ કરાયો છે. વધુ તપાસ શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

(12:12 pm IST)