Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જસદણ નગરપાલિકાના પ્રમુખ ઉપ- પ્રમુખની ચૂંટણી માટે ખેંચતાણ

જસદણ,તા.૪: જસદણ પાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ -ઉપ પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. તે અંગે ભારે તાણખેંચ થઇ રહી છે. ઇસ. ૧૯૯૫માં જસદણ શહેરને નગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારબાદ કૌભાંડ ભ્રષ્ટ્રાચાર ગેરરિતિએ એટલી હદે માઝા મુકી છે કે ખુદ શાસક પડીના સભ્યોની આટલા વર્ષોમાં સાંભળી નથી. આથી કરોડો રૂપિયા જે પ્રજાના ખિસ્સામાંથી આવે છે તે કોના ખિસ્સા તેજુરીમાં ગયા આ પ્રશ્નો હજુ ઉકલે મળ્યો નથી. હાલ શોપીંગ સેન્ટરો દુકાનો મકાનો રોડ પર બનાવી નાખો તો તેનો હેતુફેર કરી પ્લાન પાસ કરી દેવામાં આવે છે. શહેરના તમામ રોડ રસ્તાઓ સાંકડા થઇ ગયા છે. વાહન તો ઠીક પગે ચાલીને પણ જઇ શકાતું નથી. શહેરના ચોમેર વિસ્તારમાં આવેલ પાલીકાની અબજો રૂપિયાની જમીનો પણ ભુ-માફિયાના કબજામાં છે. નગરપાલિકાના ટેબલે મલાઇ મુકો તો ગમે એવા બાંધકામ પ્લાન અને જમીનો ટાઇટલ કીલીયર થઇ જાય એવું જાહેરમાં સભ્યો પણ કહે છે. ત્યારે આગામી પાલિકા પ્રમુખ બિલ કૌભાંડ ભ્રષ્ટ્રાચાર ગેરરિતી સામે ધ્યાન આપે એવું પ્રજા ઇચ્છી રહી છે.

પાલિકાના પ્રમુખ -ઉપપ્રમુખની મુદત આગામી તા. ૨૫ ઓટસ્ટ સુધીમાં ચૂંટણી યોજાય એવી શકયતા છે. અઢી વર્ષના ગાળા માટે આ વર્ષે સ્ત્રી અનામત સીટ હોવાથી ભારે ખેંચાતાણ સર્જાશે. શાસક ભાજપ પક્ષમાં પણ ૧૧ સ્ત્રી સભ્યો હોય અને કેટલીક મહીલા સભ્યો ભ્રષ્ટાચાર રહિત શાસન ચલાવવાની ત્રેવડ પણ ધરાવતી હોવા છતાં પક્ષમાં હાલ બે જુથ પડી ગયા છે. તેથી ભારે તાણખેંચ છે. જો કે પક્ષમાં મોવડીઓ વર્ષાબેન સંખીયા અથવા સોનલબેન વસાણી પર કળશ ઢોળે એવી ચર્ચા પણ થઇ રહી છે.

(11:42 am IST)