Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સનાતન ધર્મ અને સંસ્કૃતિ બાબતે કોઈ મતભેદ ન સર્જાવા જોઈએઃ દ્વારકા પ્રકરણે ઘી ના ઠામમાં ઘી પાડવા ભાજપ આગેવાનોના પ્રયાસ

રાજકોટઃ થોડા સમય પૂર્વે એક વિવાદ સર્જાતા પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનાર્થે શીશ ઝૂકાવવા ગયા હતા. તેમણે કોઈપણને મનઃદુખ થયું હોય તો ખુલ્લા હૃદયથી દિલગીરી દર્શાવી હતી.

દરમિયાન ૨-૩ દિવસ પહેલા જ ધાર્મિક સ્થળોના પ્રવાસે નિકળેલા શિક્ષણ પ્રધાન અને ભાજપ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઈ પંડ્યા તથા ભાજપના સાંસદ પુનમબેન માડમ જોગાનું જોગ દ્વારકા ખાતે મળતા તેમણે ભાજપના દ્વારકાના ધારાસભ્ય પબુભાભાઈ માણેક સાથે તેમની વાડીએ લંબાણ વાતચીત કરી હોવાનું જાણવા મળે છે.

આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાજપ આગેવાનો અને પબુભાભાઈ વચ્ચે ખુલ્લા મનથી વાતચીત થઈ હતી, જેમાં એક વાતનો ખાસ ઉલ્લેખ થયાનું બહાર આવ્યું છે કે પૂ.મોરારીબાપુએ કયારેય પબુભાભાઈ દિલગીરી દર્શાવે કે માફી માંગે તેવી કોઈ વાત, કયારેય કોઈને પણ કરી નથી.

ચર્ચામાં એ વાત મુખ્ય સ્થાને રહેલ કે દરેક પૂજય સંતોનો આદર કરવો જ જોઈએ તો સાથોસાથ સંતોએ પણ કોઈ વિવાદ સર્જાય કે સનાતન ધર્મ કે સંસ્કૃતિને આંચ આવે તેવા ઉચ્ચારણોથી દૂર રહેવું જોઈએ, પૂજય મોરારીબાપુ ૨-૩ વર્ષે પૂર્વે ભગવાનશ્રી કૃષ્ણ, તેમના ભાઈ, સંતાનો અને દ્વારકાના પ્રજાજનો વિશે ખૂબ જ અજુગતુ બોલી ગયેલ તેના પગલે ભારે વિવાદ સર્જાયેલ અને દ્વારકાધીશને શીશ ઝૂકાવવા બાપુ આવ્યાત્યારે પબુભાભાઈ ભારે ગુસ્સામાં બાપુ તરફ દોડી ગયેલ. તેનાથી મોટો વિવાદ સર્જાયો છે. સમાજો વચ્ચે મનદુઃખ સર્જાય તેવી સ્થિતિ ઉભી થયેલ. જે સહુ જાણે છે, તેની વિડીઓ પણ વાયરલ થયેલ. દરમિયાન લાંબી ચર્ચાને અંતે આ પ્રશ્ન પૂરો કરવા માટે અને જે યોગ્ય લાગે તે નિર્ણય લેવાનું પબુભાભાઈ ઉપર છોડવામાં આવ્યાનું પણ જાણવા મળે છે. દ્વારકા બેઠકના વિસ્તારમાં પબુભાભાઈનું અપાર વર્ચસ્વ હોય અને ચૂંટણીઓ માથે આવી રહી છે. ત્યારે આ બાબતે મોટા મનદુઃખ ન સર્જાય તે માટે ભરચકક પ્રયાસો થઈ રહ્યાનું જાણવા મળે છે.

(11:29 am IST)