Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખપદે વિનુ અમીપરાનું નામ જાહેર થતા જ ભડકોઃ શહેર કોંગ્રેસ મહામંત્રી સહિત ૩૪૨ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધાઃ કેપ્ટન સતીષ વિરડા જૂથમાં ભારે નારાજગી

જૂનાગઢઃ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મુશ્કેલી વધી શકે છે. જૂનાગઢ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. વિનુ અમીપરાને શહેર પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. 342 કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ, કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે. શહેર મહામંત્રીએ પણ રાજીનામુ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે પડેલા ભાગલા હવે બહાર આવી રહ્યા છે. ધારાસભ્ય ભીખા જોશી અને મહાનગર પાલિકાના વિપક્ષી નેતા તેમજ કાર્યવાહક કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા સતીશ વીરડાનું જૂથ સામસામે આવી ગયું છે. જેના ભાગરૂપે અત્યારે કોંગ્રેસમાં વિવાદ અને વિખવાદ જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયેલા કોંગ્રેસ સંગઠન પાંખના હોદેદારો અને 2 નગરસેવકોએ રાજીનામાં આપી દઈ કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે.
જૂનાગઢ કોંગ્રેસના પ્રમુખ પદે જેમની નિમણુંક થઇ છે તેવા વિનુભાઈ અમીપરા સામે ઉઠેલા વિરોધમાં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયેલા કોંગ્રેસના સંગઠન પાંખના હોદેદારો અને 2 નગરસેવકોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કોંગ્રેસના બે ભાગ પડી ગયા છે, જો કે આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી ત્યારે સાંજ સુધીમાં વધુ વિવાદ ઉભો થાય તેવી શક્યતા.
જૂનાગઢમાં શહેર કોંગ્રેસના પ્રમુખ પદનો મામલો આગામી દિવસોમાં અનેક નવા સમીકરણ ઉભા કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ આ મામલે સ્થાનિક જૂથના શરણે થાય છે કે નહીં એ જોવું રહ્યું.

(6:46 pm IST)