Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વીંછીયામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

જસદણ તા. ૪ : જસદણ તેમજ વિંછીયા સહીત અન્ય તાલુકાઓની જેમ આ તાલુકાઓને સંપૂર્ણ વિકસિત કરવા રાજય સરકારને સુચન કરાતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આ વિસ્તારમાં પાણી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ તેમજ રસ્તાની ઉત્ત્।મ સુવિધા પર્યાપ્ત કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવ્યાનું આજરોજ વિંછીયા ખાતે પશુપાલન શિબિરમાં પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત જનસમુદાયને પ્રસન્નતા સાથે જણાવ્યું હતું.

જસદણ, વિંછીયા વિસ્તારમાં નિયમિતપણે પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા ડેમ ભરવા સહીતનું આયોજન તેમજ પાણીના સંપ, ડેમ પાસે કુવા બનાવવાની યોજના માટે રૂ. ૪૭ કરોડના પ્રોજેકટ અમલી કરાશે તેમ મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું.

વિંછીયા ખાતે પશુપાલન વિભાગ, ગાંધીનગર તેમજ પશુપાલન શાખા રાજકોટ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂત તેમજ માલધારીઓને પશુપાલન વ્યવસાય પ્રત્યે જાગૃતિ યોજાયેલ વિશેષ શિબિરમાં રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ અનેકવિધ યોજનાઓની માહિતી આપતા મંત્રીશ્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે પશુપાલન વ્યવસાયને ગંભીરતાથી લેવામાં આવે તો ગુજરાતમાં મોટા પાયે આર્થીક સમૃદ્ઘિના દ્વારા ખુલી જશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ તકે બેંક દ્વારા લાભાર્થીઓને લોન લેવામાં પડતી મુશ્કેલીઓને દુર કરવા તેમજ સહકારી મંડળી દ્વારા લોન મળી શકે તે દિશામાં આયોજન કરવાની વાત તેમણે કરી હતી. પશુઓની સારવાર માટે ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ સહીત અનેક યોજનાઓ ટૂંક સમયમાં શરુ કરાશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પશુ ચીકીત્સકો દ્વારા આઈ ખેડૂત યોજના, આદર્શ પશુપાલન, નફાકારક પશુપાલન, ઓકસીટોકસીનની નકારાત્મક અસર સહિતના વિષયો પર ખેડૂતોને માર્ગદશન આપવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગના નિયામક ડો. એ. જે. કાછીયાએ અનેકવિધ પશુપાલન યોજનાની વિગતવાર માહિતી આપી હતી. રાજકોટ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના ડો. પંચાલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ પ્રસંગે વિછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરજીયા, જસદણ યાર્ડ ના પૂર્વ પ્રમુખ પોપટભાઈ રાજપરા, તાલુકા પંચાયતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.(૨૨.૧૧)

(12:34 pm IST)