Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઉછીના લીધેલા ૧ લાખ પાછા ન આપવા પડે તે માટે સુરેન્દ્રનગરમાં સગા બનેવીના ભાઇ હબીબ માલાણીનું ઢીમ ઢાળી દીધુ

આરોપી આરીફે મિત્ર ઓમદેવસિંહ સાથે મળીને 'ચાલ મિત્ર પાસેથી પૈસા લઇને તને આપી દવ' તેમ કહીને નર્મદા કેનાલ પાસે હત્યા કરી

વઢવાણ તા. ૪ :.. વઢવાણ-સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હબીબ નામના યુવાનની હત્યા કરી લાશ ફેંકી દેવાની ચકચારી ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ઉછીના લીધેલા, રૂપિયા ૧ લાખ પાછા ન આપવા પડે તે માટે આરીફે મિત્ર ઓમદેવસિંહ સાથે મળીને પોતાના સગા-બનેવીના નાના ભાઇ હબીબનું કામ તમામ કરવાનો પ્લાન બનાવ્યો હતો. મારા મીત્રની પાસેથી પૈસા લઇ તને આપી દઉ મારા સાથે ચાલ તેમ કહી હબીબને કેનાલ પર લાવીને હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી.

પોલીસે બન્ને આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

પિતાને પગના ઓપરેશન માટે ૩ વર્ષ પહેલા આરીફે પૈસા લીધા હતાં. સુરેન્દ્રનગરની નિયાણાવાડમાં રહેતા હબીબ લખુભાઇ માલાણીની હત્યા કરેલી લાશ નર્મદા કેનાલ માંથી મળી આવી હતી. પાનના ગલ્લો ચલાવતા યુવાનની હત્યા કોણે કરી તેની કડી મેળવીને આરોપીઓને પકડવા માટે ડીએસપી મનીન્દર પ્રતાપસિંહ પવારે ખાસ સુચના આપી હતી. પોલીસે જીણવટભરી તપાસ કરતા હબીબ જયારે ગલ્લો બંધ કરીને ગયો છેલ્લે તેની સાથે આરીફ આદમભાઇ મોવાર હતો અને બન્નેએ ટાવર પાસે ચા પીધી હોવાની વિગતો મળી હતી. આથી આ કેસમાં આરીફનું કનેકશન હોવાનું માની ડીવાયએસપી પી. જી. જાડેજા એસ. ઓ. જી. ઇન્ચાર્જ પી. આઇ. એસ. બી. સોલંકી પેરોલ  ફર્લો સ્કવોડના નરપતસિંહ અજયસિંહ, નિકુલસિંહ સહિતના ઓએ તેની પુછપરછ હાથ ધરી હતી.

જેમાં પ્રથમ તો તેણે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પરંતુ અંતે ભાંગી પડેલા આરીફે પોતાના મિત્ર ઓમદેવસિંહ અશોકસિંહ પરમારની મદદથી હબીબની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું આરોપી આરીફ મૃતક હબીબના મોટા ભાઇનો શાળો થતો હતો સગાના નાતે હબીબે આરીફના પિતાના ઓપરેશન માટે ત્રણ વર્ષ પહેલા રૂ. ૧ લાખ ઉછીના આપ્યા હતાં. પૈસાની જરૂર હોય હબીબ તેની ઉઘરાણી કરતો હતો આ પૈસા ન આપવા પડે તે માટે ગોદવરી ખાતે રહેતો પોતાના મિત્ર ઓમદેવસિંહને વાત કરી અને હબીબને નર્મદા કેનાલ પર લઇ જઇ હબીબનું કામ તમામ કરવાની યોજના ઘડી તે મિત્ર પાસેથી લઇને તને આપી દઉ તુ મારી સાથે ચાલ તેમ કહી નર્મદા કેનાલ પર લઇ જઇ હબીબની હત્યા કરી દીધાની કબુલાત કરી હતી. બન્ને આરોપીને ઝડપી લઇ કેસની વધુ તપાસ પી. એસ. આઇ. આર. એ. ઝાલા ચલાવી રહ્યા છે.

મિત્ર એ ઘા ન કર્યો તો આરીફે માથામાં પથ્થર ઝીકયો.

યોજના મુજબ હબીબ સાથે જયારે આરીફ વાતો કરતો હોય ત્યારે બાવળામાં છૂપાયેલા મિત્ર ઓમદેવસિંહ એ પાછળથી  આવીને હબીબને માથામાં લોખંડની ટોમી ઝીકવાની હતી. પરંતુ મિત્રએ ઘા ન કરતા આરીફે બાજુમાં પડેલો મોટો પથ્થર હબીબના માથામાં ઝીકી દેતા તે ઢળી પડયો હતો. પછી ઓમદેવસિંહે ટોમીના ઘા ઝીકયા હોવાનું આરીફે જણાવ્યું હતું આગલે દિવસે મારવાનો પ્લાન નિષ્ફળ.

આરીફના સાળા વિરમગામ રહે છે. તેની મદદથી મંગળવારે હબીબને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આરીફે તેના માટે ફોન પણ કર્યા હતાં. પરંતુ હબીબ ન આવતા બીજા દિવસે હત્યા કરી.

પોલીસને લોકેશન ન મળે તે માટે કિમીયો કર્યો.

પોલીસ ઘટના સ્થળના લોકેશનને આધારે પોતાને પકડી લેશે તેવુ ભેજાબાજ આરોપી જાણતો હતો અને આથી જ આરીફે તેનાં પોતાનો અને તેના મિત્રનો મોબાઇલ આરીફના સસરાની દુકાન પર બાયપાસ રોડ પર મુકી દીધા હતાં. પરંતુ તેમનો ક્રિમીયો ફાવ્યો નહીં.

પ્લાનને અંજામ આપવા માટે આરીફ સૌપ્રથમ પોતાના મિત્ર ઓમદેવસિંહને ટોમી સાથે બાઇક લઇને કેનાલે ઉતારી બાવળમાં સંતાડી દીધો પછી હબીબને લેવા માટે ગયો હતો.  (પ-૧૧)

(12:30 pm IST)