Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મગફળીકાંડના વિરોધમાં ગોંડલમાં પરેશ ધાનાણીના ધરણા

'મગફળીના નામે આ મલાઇ કોણ તારવી ગયુ ? ભાજપની સરકારને ખેડૂત સમાજનો એક સવાલ' તેવા બેનરો લાગ્યા

ગોંડલઃ આજે ગોંડલમાં વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં મગફળી કાંડના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણા કર્યા છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ) (૧.૧૧)

ગોંડલ તા. ૪ : ગોંડલ ખાતે ઉમવાળા રોડ ઉપર આવેલ રામરાજય જીનિંગ મિલમાં ગોડાઉનમાં મગફળીના અંદાજે ૨૮ કરોડના વિપુલ જથ્થામાં આગ લાગવાની ઘટના તથા તાજેતરમાં જેતપુરના પેઢાલા ખાતે મગફળી કૌભાંડ સામે કોંગ્રેસ આક્રમક બની છે આજે સવારે ગોંડલ રોડ ઉપર આવેલ રાજય જીનિંગ મિલના ગેટની બહાર કોંગ્રેસ દ્વારા છાવણી નાખી વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી એ ધરણાં શરૂ કર્યા હતા.

ગોંડલ કોંગ્રેસના પ્રવકતા દિનેશભાઈ પાતર ના જણાવ્યા મુજબ સવારે ૯ થી સાંજના ૫ સુધી પરેશભાઈ ધાનાણી દ્વારા ધરણા કરાશે જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, જિલ્લા પંચાયતના સદસ્ય, ગોંડલના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો, અનિલભાઈ માધડ ભાવેશભાઈ ભાષા, દિનેશભાઈ સોજીત્રા, લલીતભાઈ પટોળીયા તેમજ મહિલા કોંગ્રેસના ધરણાં જોડાયા છે,ઙ્ગ

પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે ગોંડલ, ગાંધીધામ, રાજકોટ છેલ્લાં બે અઢી માસથી નાફેડ દ્વારા રખાયેલ મગફળી ના ગોડાઉનમાં રહસ્યમય રીતે આગ લગાડી કરોડોનું કૌભાંડ આચરાયું છે, ભાજપ સરકાર આ કૌભાંડ ને છાવરતી હોય તેમ આગ લાગ્યાની ઘટનાઓમાં કોઈ પણ જાતની તપાસ કરી શકી નથી.

જયારે મોટા માથાઓ આ કૌભાંડમાં સંડોવાયા હોય સરકાર તેમનો બચાવ કરવા પ્રયત્નો કરી રહી છે, મગફળી કૌભાંડ અંગે રાજયવ્યાપી કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાશે બે દિવસ પહેલા પેઢલા ખાતે પણ મગફળી ની બોલીઓમાં ધુળના ઢેફા નીકળતા પાપ છાપરે ચડી જાહેર થવા પામ્યું છે, ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથક ભાજપનો ગઢ ગણાય છે ત્યારે ગોંડલમાં જ વિધાનસભાના વિપક્ષી નેતા દ્વારા ધરણા નું આયોજન કરતા ઉતેજના ફેલાવા પામી છે, ધરણાના પગલાને લઇ છાવણી પાસે પોલીસના ધાડા ખડકી દેવાયા છે.

દરમિયાન ધરણા સ્થળે અને ગોડાઉનના ગેઇટ ઉપર 'મગફળીના નામે આ મલાઇ કોણ તારવી ગયું? ભ્રષ્ટાચારી ભાજપની સરકારને ખેડૂત સમાજનો એક સવાલ' લખેલા બેનરો લગાવવામાં આવ્યા છે.(૨૧.૧૦)

(12:27 pm IST)