Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પરબના મેળામાં વિખૂટા પડેલા બાળકનું મિલન

જૂનાગઢ,તા. ૪ : ભેસાણ તાલુકાના પરબ વાવડી ખાતે યોજાયેલ અષાઢી બીજનાં મેળામાં બાંટવા પીએસઆઈ વિજયાબેન ચાવડા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને એક સાત આઠ વર્ષનું બાળક મંદિર પરિસરમાં રડતું મળી આવેલ હતું. પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ ચોકી ખાતે લાવતા ખોયા પાયા ટીમ દ્વારા તેને છાનું રાખી, નાસ્તો કરાવી, વ્યવસ્થિત પૂછપરછ કરતા, પોતાનું નામ અંશુમ અશ્વિનભાઈ રહે. બાદરપર તા.જૂનાગઢ હોવાનું અને પોતાની દાદી સાથે મેળામાં આવેલાની હકીકત જણાવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે બાદરપર ગામના સરપંચ હરસુખભાઈ પટેલ નો નંબર હોઈ, ફોટા અને વિગતો વોટસએપ મારફતે શેર કરતા, મળી આવેલ બાળકના મોટાબાપા તથા દાદીમાને પોલીસ ચોકી મોકલી આપતા, તેઓના પરિવારજનોને હેમખેમ સોંપવામાં આવ્યો હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પરિસ્થિતિ પામી, મળી આવેલ હોઈ,  ખાસ ખોયા પાયા ટીમ પૈકી સાદા ડ્રેસમાં રહેલ પોલીસ કર્મી કનકસિંહ, વિપૂલસિંહ ને બાળકોની સાર સંભાળની કાર્યવાહી સોંપવામાં આવેલ. આ જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા  બાળકોને એક પરિવારજનની માફક પ્રેમથી મેળામાં લઇ જઈ, ઠંડુ પીવરાવેલ અને બિસ્કિટ, વેફર તથા નાસ્તો અપાવતા, બાળકને આ જૂનાગઢ પોલીસ ટીમ ઉપર વિશ્વાસ આવતા, પોતે કોની સાથે કયાંથી મેળામાં આવેલાની તેમજ પોતાના નામ સહિતની માહિતી જણાવી, પોલીસ ટીમ સાથે પ્રેમથી વાતો કરવા લાગેલ હતા. પોતાના ગુમ થયેલ બાળકની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને પરબધામ પોલીસ ચોકીમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(2:05 pm IST)