Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આચાર, વિચાર, ઉચ્‍ચાર અને વ્‍યવહાર શુધ્‍ધ હોય તે ઉત્તમ આચાર્યઃ મોરારીબાપુ

અમેરિકાના લોસ એન્‍જેલસ ખાતે ‘માનસ-આચાર્ય દેવો' કથા ગુરુજનોને અર્પણ કરી પ્રારંભ થયો

 (તખુભાઈ સાંડસુર દ્વારા)૪ તલગાજરડાઃ પૂ. મોરારીબાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્‍યમથી સમાજજીવનમાં ઉત્તમ આચાર ઉભો કરવા સંદેશ આપતાં રહે છે.પુ.મોરારીબાપુએ ગુરુપૂર્ણિમાને ધ્‍યાનમાં લઈને અમેરિકાના લોસએન્‍જલસમાં તા.૨ થી ૧૦ દરમ્‍યાન યોજાએલ. આ કથાનું નામકરણ ‘માનસ- આચાર્ય દેવો ભવ' કરીને તમામ ગુરુજનોને આ કથા અર્પણ કરી છે.

ભારતથી ૮:૫ હજાર માઈલ, ૨૭ કલાકની વિમાન મુસાફરી થાય છે તેટલાં દૂરના સ્‍થળે ગઈકાલે પુ. મોરારીબાપુ અમેરિકાના લોસ એન્‍જેલસ ખાતે પહોંચ્‍યાં હતાં.કદાચ કોરોનાના  લાંબા સમય પછી નેપાળની કથાને બાદ કરતાં વિદેશની આ એવી પહેલી કથા છે કે જ્‍યાં પ્રત્‍યક્ષ રીતે કથાનું આયોજન થઈ રહ્યું છે.

પૂ.મોરારીબાપુએ કહ્યું કે આગામી ૧૩ તારીખે ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ છે. તો આપણે આપણાં ગુરૂજનોને યાદ કરીને તેની વંદના કરવાનો અવસર આ કથાના માધ્‍યમથી ઉભો કરીએ તેવો સંકલ્‍પ થયો છે. તેથી આ કથાનું નામકરણ આપણા ઉપનિષદોની ઉક્‍તિ મુજબ ‘આચાર્ય દેવો ભવ' કરીએ છીએ.આપણાં સૌના જીવનમાં કોઈને કોઈ રીતે યોગદાન આપનારાં આપણાં પૂ. ગુરૂજનો જેમાં શિક્ષકો,ગુરુઓ સદગુરુ અને હું જેને કહું છું તેવાં બુદ્ધપુરુષો તે બધાની સ્‍મળતિ કરવાનો આ અવસર આપણે પ્રાપ્ત કરીએ છીએ. મારાં જીવનમાં પ્રાથમિક શાળાના આચાર્ય જગન્નાથભાઈ ત્રિવેદી, હાઇસ્‍કૂલના આચાર્ય એમ એન મહેતા  અને અમારા અધ્‍યાપન મંદિરના આચાર્ય કુમારભાઈ ભટ્ટ  સઘળા ગુરૂજનોનું સ્‍મરણ કરતાં પૂજ્‍ય ભાવ વ્‍યક્‍ત કરૂં છું.

 પૂજ્‍ય બાપુએ ઉમેર્યું કે આચાર્ય એટલે બધાં જ આપણાં ગુરૂજનો,આચાર્ય ચાર બાબતોમાં જે શુદ્ધ હોય,પરિપૂર્ણ હોય તે આચાર્ય ઉત્તમ છે.જેમાં વિચાર, આચાર, ઉચ્‍ચાર અને વ્‍યવહારનો સમાવેશ થાય છે. સાથોસાથ એ પણ જણાવ્‍યું કે ત્રણ બાબતો એવી છે કે જે આપણાં હાથમાં, આપણા નિયંત્રણમાં નથી. તેથી તેને આપણે અટકાવી શકતા નથી પરંતુ સામેની ત્રણ બાબતો એવી છે કે જે આપણી આપણાં બસની વાત છે જેમ કે આપણે આપણું બુરું કરતાં કોઈને અટકાવી શકતા નથી, પરંતુ આપણી જાતને કોઈનું બૂરું  કરતા અટકી શકીએ. બીજું આપણું ખરાબ બોલતા કોઈને અટકાવી શકીએનહીં, રોકી શકીએ નહીં. પરંતુ આપણે અન્‍યનું ખરાબ બોલતા આપણી જાતને રોકી શકીએ.અને છેલ્લું બધાં જ લોકો આપણને અનુકૂળ હોય તેવું સંભવ નથી, પરંતુ આપણે સૌ કોઈને અનુકૂળ થઈએ તે શકય છે.ગુરૂજનો તે માટે સક્ષમ હોય છે.

પુ.મોરારિબાપુની લોસ એન્‍જેલસની આ કથા ૮૯૯મી છે.તેના નિમિત્તમાત્ર યજમાન શ્રી રાજુભાઇ ચોલેરાને આ કથાલાભ ૧૫ વર્ષેના લાંબા અંતરાલ પછી મળ્‍યો, તેનો તેઓએ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

(12:12 pm IST)