Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કચ્છ જિ. પંચાયતમાં બીજા કોરોના કેસને પગલે હડકંપ : ઇન્ટરલ ઓડીટરને કોરોના, બહારગામના અવરજવર કરતા અધિકારીઓએ સર્જી કર્મચારીઓમાં ચિંતા

(ભુજ) કચ્છ જિલ્લા પંચાયતના ઇન્ટરનલ ઓડીટરને શરદી અને તાવના લક્ષણો લાગતા પોતાને વતન ડીસાના કણોદર ગામ ગયેલા વર્ગ બે ના અધિકારી શબ્બીર મહમદભાઈ કુવેશ્યાને ગઈકાલે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ અધિકારી અત્યારે વતનમાં સારવાર હેઠળ છે. 

કચ્છ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. બ્રહ્મક્ષત્રિયના જણાવ્યા પ્રમાણે કોરોનાના રિપોર્ટને પગલે ઇન્ટરનલ ઓડીટરના જિલ્લા પંચાયતના સહકર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

કચ્છ જિલ્લા પંચાયતમાં ચારેક અધિકારીઓ કોરોના વચ્ચે વતન થી ભુજ અવરજવર કરતા હોવાની ચર્ચા થઈ રહી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ પછી શબ્બીર કુવેશ્યા પણ કોરોના દરમ્યાન વતનમાં અવરજવર કરતા હતા. કોરોનાના વધતા કેસ પછી તંત્ર હવે વતન અવરજવર કરતા તમામ અધિકારીઓ પ્રત્યે ગંભીર બને તેવી કર્મચારીઓની લાગણી છે.

(6:07 pm IST)