Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કોડીનારમાં બીજે'દિ ૧ll, લખતર-૩, વાંકાનેર-પાટડીમાં: ર ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિત વરસાદ પડવાની આશા સાથે ઝાપટાથી દોઢ ઇંચ વરસ્યો

પ્રથમ અને બીજી તસ્વીરમાં કોડીનારમાં વરસાદી પાણી રોડ ઉપર વહેતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં વેરાવળની બજારોમાં પાણી ચોથી તસ્વીરમાં ધ્રાંગધ્રાં પંથકમાં તથા પાંચમી તસ્વીરમાં મોરબી પંથકમાં પુરનો પ્રવાહ જોવા મળે છે (તસ્વીરઃ અશોક પાઠક (કોડીનાર) દિપક કક્કડ (વેરાવળ) પ્રવિણ વ્યાસ. મોરબી)

રાજકોટ, તા.૪: સૌરાષ્ટ્રમાં આગાહી મુજબ ઘટાટોપ વાદળો છવાઇ ગયા છે. આજે ઝરમર ઝાપટાથી ૬ ઇંચ સુધી વરસાદ હતો પરંતુ મુખ્યત્વે આ વરસાદ અમરેલી અને સંલગ્ન જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હતો. સૌથી વધુ વરસાદ કોડિનાર પંથકમાં હતો ત્યાં ૪ કલાકમાં ૬ ઇંચ ખાબકી ગયો હતો. તેવી જ રીતે માણાવદર તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ પાણી ઠલવાઇ ગયું હતું. આજના વરસાદથી વાવેતર કરનારા રાજીના રેડ ગયાં છે. ગાજવીજ દર વખતની જેમ હતી. તા.૪ થી ૬ વરસાદની સંભાવના દર્શાવાયેલી છે.

આજે કોડીનારમાં સતત બીજે દિવસે દોઢ ઇંચ વરસાદ પડયો છે. આજે સવારે કોડીનારમાં વધુ દોઢ ઇંચ વરસાદ પડતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના લખતરમાં ૩ ઇંચ, પાટડીમાં ૨ ઇંચ, વઢવાણમાં દોઢ ઇંચ, વાંકાનેરમાં ૨ ઇંચ, વેરાવળ-સૂત્રાપાડા દોઢ, ધ્રાંગધ્રા ૧, થાનગઢ-ટંકારા પોણો ઇંચ અને જાફરાબાદમાં અઢધો ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત મુળી, ધ્રોલ, ચુડા, મોરબી, ગીરગઢડા, ઉનામાં હળવા ભારે ઝાપટા પડયા છે.

વેરાવળ

વેરાવળઃ વેરાવળમાં આજે ધીમી ધારે દોઢ ઇંચ વરસાદ વરસતાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા મંદિરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.

કોડીનાર

કોડીનાર શહેરમાં આજે સવારે ૧૦ વાગ્યા થી શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરતાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં વરસાદી પાણીનું સામ્રાજય ફેલાયો છે.કોડીનારમાં આજે સવારે ૧૦ કલાકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતાં બપોર ના ૨ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.કોડીનારમાં ભારે વરસાદના પગલે અતિશય ગરમીમાં રાહત થતાં અને ખેતરોમાં ઉભા પાક ને જીવતદાન મળતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે,અને ખેતરોમાં પણ પાણી ભરાયાના એહવાલો સાંપડી રહ્યા છે. કોડીનાર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. કોડીનારમાં કાલે નોંધાયેલા ૧૪૧ મી.મી.વરસાદ સાથે મૌસમ નો કુલ વરસાદ ૩૨૩ મી.મી.નોંધાયો છે.

મોરબી

મોરબી જીલ્લામાં રાત્રીના વરસ્યો વરસાદ, વાંકાનેરમાં પોણો તો ટંકારામાં અધડો ઇંચ

મોરબી જીલ્લા અસહ્ય ગરમીના બફારા બાદ સાંજના સુમારે વરસાદ વરસ્યો હતો જેના કારણે થોડા સમય માટે લોકોને ગરમી માંથી રાહત મળી હતી. તો રાત્રીના વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો તો ટંકારામાં અધડો ઇંચ વરસાદ વરસ્યો હતો.

મોરબી જિલ્લામાં દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.મોરબી જીલ્લાના ટંકારા,વાંકાનેર, મોરબી અને હળવદમાં વરસાદ વરસ્યો હતો જો કે ગત તા.૩ ના સાંજના ૬ થી તા. ૪ ના સવારના ૬ વાગ્યા સુધીમાં મોરબી ૨ એમએમ, વાંકાનેર ૪૭ એમએમ અને ટંકારા ૧૭ એમએમ વરસાદ નોંધાયો હતો. વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મોરબીમાં રાત્રે ગાજવીજ સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો પરંતુ લોકોને ગરમીનો બફારો જ સહન કરવો પડ્યો હતો. તો હળવદ તાલુકાના માથક ગામ નજીક આવેલ મહાવીરનગર વિસ્તારમાં આવેલ મંદિર પર વીજળી પડી હતી અને મંદિરનું ધુમટ તૂટી ગયું હતું જો કે કોઈ જાનહાની થઇ ના હતી.

(11:46 am IST)